Placeholder canvas

મોરબીમાં ખાનગી મેડીકલ કોલેજનો “આપ” દ્વારા વિરોધ, સરકારી મેડીકલ કોલેજની માંગ કરી

મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવાની મંજુરી આપ્યા બાદ હવે નિર્ણયમાં ફેરફાર કરાયો છે ત્યારે આમ આદમી પાર્ટીએ આજે મોરબીને સરકારી મેડિકલ કોલેજ આપવાની માંગ સાથે ખાનગી મેડીકલ કોલેજનો વિરોધ નોંધાવ્યો હતો.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ અંગે આમ આદમી પાર્ટીના પરેશભાઈ પારીઆએ જણાવ્યું હતું કે, 2020માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોરબી સહિત 8 જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ આપવાની જાહેરાત કરી હતી, જેના માટે શનાળા રોડ પર જિલ્લા કલેકટર દ્વારા જમીન પણ ફાળવી દેવામાં આવી હતી. અને એવી પણ જાહેરાત કરી હતી કે 100 બેડની આ સરકારી કોલેજથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે અને આસપાસના વિસ્તારને પણ આ કોલેજના કારણે ઘણો ફાયદો થશે હવે છેલ્લી ઘડીએ સરકારે નિર્ણય બદલી નાખ્યો છે અને કોઈ ખાનગી કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના મળતિયાઓને ફાયદો થાય એ માટે સરકારી મેડિકલ કોલેજ ની જગ્યા પર ખાનગી મેડિકલ કોલેજ બનશે એવી વાત એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને આ અંગેની વાત ગઈ કાલે નક્કી કરવામાં આવી સોશિયલ મીડિયા પર આવા ખબર જોવા મળ્યા હતા કે જ્યાં મોરબી ને સરકારી નહીં પણ ખાનગી મેડિકલ કોલેજ મળશે એક સામાન્ય મેડિકલ કોલેજમાં એમબીબીએસની ફી જોઈએ તો રૂપિયા ૨૫ લાખ છે, આવામાં મોરબીમાં ગરીબ અને મધ્યમવર્ગના યુવક અને યુવતીઓ કઈ રીતે ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરશે.

આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે એક સપ્તાહ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને રસ્તા રોકો આંદોલનથી લઈને વિરોધ પ્રદર્શન થશે તેમ જણાવ્યું હતું આજે વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાની આગેવાની હેઠળ કાર્યકરો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો