skip to content

દિલમાં ભાજપ, દિમાગમાં કોંગ્રેસ: ‘પ્રવેશોત્સવ’માં કહી દિધી ‘મન કી બાત’

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આઠ પૂર્વ ધારાસભ્યોમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યો શનિવારે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાંચે ધારાસભ્યોનો ભાજપમાં ‘પ્રવેશોત્સવ’ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન પૂર્વ કોંગ્રેસી નેતાઓઍ કેટલાક લોચા માર્યા હતા જેથી હાસ્યની છોળો ઉડી હતી. ભાજપમાં જોડાનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોમાં અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે વી કાકડીયા, કપરાડાના જીતુ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.

અગાઉ ભાજપમાં કોઇ નેતા કે નાના કાર્યકર્તા પણ જોડાય તો સૂત્રોચ્ચાર થતાં, તાળીઓના ગડગડાટ સંભળાતાં, પણ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ પ્રવેશ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં રમૂજી દૃશ્યો સર્જાયા હતા. સૌ પ્રથમ તો કરજણના અક્ષય પટેલે પોતાના ભાજપ પ્રવેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનો આભાર માની લીધો, ખરેખર તેમને અમિત શાહ કહેવાનું હતું. આ તરફ આ ભૂતપૂર્વ ધારાસભ્યોને માધ્યમોના પ્રતિનિધીઓએ કોરોના શું છે, ભાજપનું કોંગ્રેસીકરણ જેવાં પ્રશ્નો કર્યાં ત્યારે તેમના જવાબો વખતે સમારોહમાં પાછલી હરોળમાંથી કોંગ્રેસી લોકોના આગમનથી કંટાળેલાં ભાજપના જ લોકોએ તાળીઓ પાડી અને આ ધારાસભ્યોનો હુરિયો બોલાવતા હોય તેમ ચીચીયારીઓ પાડી હતી.

‘કોંગ્રેસ સારો પક્ષ એટલે ભાજપ છોડ્યો!’
ધારીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય જે.વી. કાકડીયાએ નાયબ મુખ્યમંત્રી નીિતન પટેલને મુખ્યમંત્રી ગણાવી દીધા હતા. તેમણે તેમ પણ કહ્યું કે કોંગ્રેસ સારો પક્ષ છે અને ભાજપ છોડી તેઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. પછી ત,ત,પ,પ, થયાં બાદ તેમણે ભૂલ સુધારી લીધી હતી.

‘સત્તા પક્ષમાં હોવ તો જ લોકહિતનાં કામ થાય’
શનિવારે વાજતેગાજતે ભાજપમાં આવેલાં કોંગ્રેસના આ ધારાસભ્યોએ જોડાયા અગાઉ કમલમ પર પોતાના પ્રવચનમાં કહ્યું કે પહેલાં વિપક્ષમાં હતા એટલે અમારા વિસ્તારમાં વિકાસના કામ થતાં ન હતા પણ હવે થશે. આ મુદ્દે વાઘાણીને બચાવ કરવો પડ્યો કે ભાજપ સરકાર બધા વિસ્તારના કામ કરે છે.

અમિત શાહના નામની જગ્યાએ અમિત ચાવડાનું નામ લીધુ.!

જ્યારે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે પ્રતિક્રિયામાં જ અમિત શાહના નામની જગ્યાએ અમિત ચાવડાનો ઉલ્લેખ કરતા સભાખંડમાં હાસ્યનું મોજું રેલાયું હતું. પરંતુ ભૂલથી નામનો ઉલ્લેખ થતાં અક્ષય પટેલ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. આ તબક્કે તેમણે કોંગ્રેસની આંતરિક સ્થિતિ ખરાબ હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને તેના કારણે કોંગ્રેસ સાથે તેઓ રહેવા તૈયાર નહીં હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષ કોંગ્રેસમાં ધારાસભ્યોનું કોઈ અસ્તિત્વ જ નથી, જેના કારણે આજે આ નિર્ણય કરવો પડ્યો છે અને આવનાર સમયમાં મારા મત વિસ્તારમાં પ્રજાના કામો કરી શકીશું તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હું એક વાહક બનીને જાતને ઓગાળી દઈશઃ બ્રિજેશ મેરજા
મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પત્રકાર પરિષદમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં જોડાવાથી હવે મને વિકાસના કામ કરવાનો અવસર મળ્યો છે. એટલું જ નહીં હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન સાધીને કામ કરાવ્યા છે, હું એક વાહક બનીને જાતને ઓગાળી દઈશ. જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાના વિધાનોથી તેમની સાથે આવેલા કાંતિભાઇ અમૃતિયા, મોહન કુંડારિયા, જયંતિ કવાડિયા સહિત ભાજપના કેટલાક નેતાઓ સહિતના અન્ય હોદ્દેદારો પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.

જીતુ ચૌધરી 17 વર્ષની વફાદારી અચાનક કેમ છોડી?નો ઉત્તર ન આપી શક્યા
તો બીજી તરફ કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસમાં છું પરંતુ હું પ્રજાના કામ શકતો ન હતો. આજે ગુજરાતમાં છેલ્લો તાલુકો મારા મત વિસ્તારમાં આવે છે અને તે વિકાસથી વંચિત રહ્યો છે અને એટલે જ મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તબક્કે તેમને પ્રશ્ન કર્યો હતો કે 17 વર્ષની વફાદારી અચાનક કેમ છોડી ? જેનો ઉત્તર તેઓ આપી શક્યા ન હતા.

અત્યારના જે નેતાઓ છે તેમના વહીવટો છેલ્લી કક્ષાના છેઃ જેવી કાકડિયા
જ્યારે ધારીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં હું વફાદારી અને સિદ્ધાંતો સાથે નિયમોનું પાલન કરીશ. પરંતુ અત્યારના જે નેતાઓ છે તેમના વહીવટો છેલ્લી કક્ષાના હોવાનું કહેતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ નેતાઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે કેવા પ્રકારના વહીવટ થાય છે તેવું વારંવાર પૂછતા તેમણે ઉત્તર આપવાનું ટાળ્યું હતું. તેમણે અંતે એમ કહ્યું હતું કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે કેટલાક ધારાસભ્યો ચરણોમાં રહીને ટિકિટો મેળવે છે. જોકે જેવી કાકડિયાના આ વિધાનથી પ્રદેશ કાર્યાલયમાં ઉપસ્થિત નેતાઓ અને અન્ય હોદ્દેદારોમાં નવી ચર્ચા જગાવી હતી.

હું ભાજપનો જ સૈનિક હતોઃ પ્રદ્યુમનસિંહ જાડેજા
જ્યારે અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, હું ભાજપનો જ સૈનિક હતો પરંતુ અમુક લોકોની વાતોમાં આવી જતા મારે કોંગ્રેસમાં જોડાવું પડ્યુ હતું. પરંતુ હવે મારા મત ક્ષેત્રમાં વિકાસ થાય તે હેતુથી હું ભાજપમાં જોડાયો છું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો