Placeholder canvas

મહુવાથી સુરત જતી પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતા 24 ગાયોના મોત

અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યા હવે ટ્રેનની અડફેટે 24 જેટલા પશુઓ આવી ગયા હતા. જેથી તમામના મોત થયા છે. જેને પગલે રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં પશુઓ આવી ચડ્યા હતા. સામેથી મહુવા-સુરત પેસેન્જર ટ્રેનમાં પશુઓ કચડાઈ ગયા હતા. જેથી 24 જેટલી ગાયોના મોત થયા છે.

સાવરકુંડલાના બાઢડા નજીક ગતરાત્રે રેલવે ટ્રેનની નીચે 24 જેટલા પશુઓ કચડાઈ જતા અરેરાટી મચી હતી. ઘટનાને લઈ થોડીવાર માટે ફાટક પણ બંધ કરી દેવાયુ હતું. તેમજ ટ્રેનને 25 મિનિટ સુધી ઉભી રાખવાની ફરજ પડી હતી. અકસ્માતમાં 24 જેટલી ગાયોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટનાને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાને સ્થાનિકોએ જાણ કરતા તાત્કાલિક પોલીસ, નગરપાલિકાની ટીમને જાણ કરી ડી.વાય.એસ.પી.હરેશ વોરા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ, સદભાવના સેવાભાવી ગ્રુપ, ગૌપ્રેમી અને જીવદયાપ્રેમીઓ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નગરપાલિકાની ટીમ દ્વારા તમામ પશુના મૃતદેહને રેલવે ટ્રેક પરથી હટાવી મૃતદેહોને પાલિકાના વાહનોમાં ખસેડવામાં આવ્યાં હતા.

આ સમાચારને શેર કરો