Placeholder canvas

લીંબડી: કુવામાંથી મૃત મળેલી યુવતિનો સાગોભાઇ જ નીકળ્યો હત્યારો

લીંબડી: ગત તા. 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે

મૃત યુવતી કોણ છે? હત્યા કોણે કરી? સહિતના સવાલોને ધ્યાને લઈ એલસીબી, સ્થાનિક પોલીસ સહિત ટીમોએ તપાસ હાથ ધરી હતી. મૃતદેહ મળ્યા ને કલાકો થવા છતાં યુવતીની ઓળખ થઈ શકી નહોતી. એલસીબી પીઆઇ એમ.ડી. ચૌધરી, પીએસઆઇ વી.આર. જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, લીંબડી પીએસઆઇ વી.એન. ચૌધરી સહિત પોલીસ ટીમે મૃત યુવતીના ભાઈ દિનેશ શંકરભાઈ રાઠોડને શકના આધારે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ભાંગી પડેલા દિનેશે તેની બહેન નયના ઊર્ફે જાગુ રાઠોડની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

દિનેશે જણાવ્યું હતું કે 5 વર્ષથી અમે પરિવાર સાથે સાંણદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેનની આંખ રોહિત ઈશ્વર ઠાકોર સાથે મળી ગઈ હતી, જે અમને મંજૂર નહોતું. અમે તેને પ્રેમસબંધ તોડી નાખવા સમજાવી પરંતુ તે માની નહીં. એટલે અમે લીંબડી રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા પછી પણ નયના તેના પ્રેમી રોહિત સાથે ફોન ઉપર વાતો કરતી હતી. 9 જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી. 27 જૂને અમારા સંબંધી શૈલેષ સોલંકીના ઘરે પ્રસંગ હતો. અમે સહપરિવાર પ્રસંગમાં હાજર હતા. ત્યાં મારું સતત ધ્યાન બહેન ઉપર જ હતું. સબંધીનો પ્રસંગ છોડીને મારી બહેન છાનીમાની મારા ઘરે ગઈ. હું પણ તેની પાછળ-પાછળ ઘરે ગયો. બહેન કબાટમાં કશું શોધી રહી હતી. મેં તેને પૂછ્યું કે શું શોધે છે? ત્યારે તેને કહ્યું કે ડોકિયું ગોતું છું. મને વિચાર આવ્યો કે દાગીના લઈને નયના તેના પ્રેમી સાથે ભાગી જશે. એટલે મેં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ સમાચારને શેર કરો