રાજકોટના સોની વેપારીના ૮૮ લાખના સોનાના ઘરેણા ભરેલા થેલાની ઉઠાંતરી
ખાનગી બસમાં ઘરેણા લઇ જતાં હતાં ત્યારે લીંબડી પાસે હોટેલે બસ થોભતા જ ગઠિયા કળા કરી ગયા
લીંબડી હાઇ–વે પર મધરાત્રે રોકાયેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રહેલા રાજકોટમાં જે.પી.ઓર્નામેન્ટ નામે પેઢી ધરાવતા સોની વેપારી શૈલેષ પટોડીયાનો બસમાં રહેલો ૮૮.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણા ભરેલા થેલાની અંદર રહેલા કોઇ મુસાફરે જ ઉઠાંતરી કરી નાસી છૂટયાની ઘટનાથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસે બસમાં રહેલા મુસાફરોના લીસ્ટ અને હાઇવે પરના સીસીટીવી કેમેરા ચેક કરવાની કવાયત હાથ ધરી છે.
પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટથી ઇન્દૌર જતી મહાસાગર ટ્રાવેલ્સની બસ ન.જીજે–૦૩બીયુ–૨૬૨૬માં રાજકોટના કુવાડવા રોડ ઉપર વેલફિન એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારી શૈલેષ વિઠ્ઠલભાઇ પટોડીયા બસમાં ઇન્દૌર જવા માટે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બેઠા હતા સાથે તેમના મિત્ર પણ હતા. સોની વેપારી સાથે ૮૪ ટચ સોનાના ૧૭૮૯ ગ્રામ કે જેની કિંમત અંદાજે ૮૮ લાખ થાય છે તે ઘરેણા ભરેલો થેલો પણ હતો. બસ લીંબડી હાઇવે પર હોટેલ પર રોકાઇ હતી જયાં રાત્રીના ફ્રેશ થવા માટે નીચે ઉતર્યા હતા. બસની સાથે સાથે એક ગ્રે કલરની બલેનો કાર પણ હોટેલ પર આવી પહોંચી હતી.
થોડીવાર બાદ શૈલેષભાઇ બસ પર પરત આવતા પોતાની સીટ પર રાખેલો થેલો ગાયબ હતો. તુરતં જ હોટેલના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતાં. થેલો લઇને બસમાંથી જ એક ઇસમ ઉતરીને નજીકમાં પડેલી ગ્રે કલરની બલેનો કારમાં બેઠેલો દેખાયો હતો અને આ કાર મુસાફરના સ્વાંગમાં રહેલા ગઠીયાને લઇને સડસડાટ નાસી છુટી હતી. ઘટના સંદર્ભે જોરાવરનગર પોલીસે બસમાં સોફા નં.૧૦ પર બેઠેલો મુસાફરના સ્વાંગમાં રહેલો ગઠીયા તથા બલેનો કારમાં આવેલા ઇસમો સામે ઉઠાંતરી સહિતની કલામો હેઠળ ગુનો નોંધી નાસી છુટેલી કારને ઝડપવા નાકાબંધી કરાઇ હતી. જે વહેલી સવાર સુધી નાકામયાબ રહી હતી.