Placeholder canvas

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં 28 વિદ્યાર્થીઓનું રેગિંગ

જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગીંગની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં હડકંપ મચી ગયો છે. આ મામલે લેખિત ફરિયાદના પગલે વિધિસર તપાસ શરૂ થતાં દોડધામ સાથે ચકચાર મચી ગઈ છે.

શહેરના શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓમાં ખળભળાટ મચાવી મુકે તેવી રેગીંગની આ ઘટના અંગે સાંપડતી પ્રાથમિક વિગતો મુજબ શહેરમાં જૂની પોલીસ લાઈન પાછળ આવેલી સરકારી ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલના દ્વિતિય વર્ષના 28 વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સીપાલ સમક્ષ રેગીંગ થતું હોવાની લેખિત ફરિયાદ કરી છે.

આ ફરિયાદમાં બીજા વર્ષના છાત્રોએ જણાવ્યા મુજબ તેઓ પ્રથમ વર્ષના અભ્યાસ માટે આવ્યા ત્યારથી હોસ્ટેલમાં “ઈન્ટ્રો (ઈન્ટ્રોડકશન) ના નામે એકાદ ડઝન વખત ત્રીજા અને ચોથા વર્ષના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માનસિક તણાવ થાય તે રીતની હરકત કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ સામુહિક રજૂઆતમાં જણાવાયા મુજબ સિનિયર છાત્રોના આ પ્રકારના ત્રાસના કારણે ત્રણ-ચાર વિદ્યાર્થીઓને કોલેજ છોડીને જતાં રહેવાની ફરજ પડી છે.

આ રીતે બીજા વર્ષના છાત્રોને માનસિક અને શારિરીક ત્રાસ આપવાના ત્રીજા અને ચોથા વર્ષના છાત્રોના કૃત્યના કારણે ભવિષ્યમાં ગંભીર બનાવ બને નહીં તે માટે કાયમી ઉકેલ આવે તેવા પગલાં લેવાની માંગણી લેખિતમાં કરવામાં આવી છે.આ ફરિયાદ મળતાં શહેરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ત્વરિત રીતે આજ રોજ કોલેજની એન્ટી રેગીંગ કમિટિની મીટીંગ બોલાવવામાં આવી હતી.

આ મીટીંગમાં વિદ્યાર્થીઓએ કરેલી રેગીંગ અંગેની લેખિત ફરિયાદ અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવ્યા પછી સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિ પોતાનો તપાસ અહેવાલ કોલેજની એન્ટી રેગીંગ કમિટિને આપશે. આ અહેવાલના આધારે પુરાવા તથા નિવેદનોની ગંભીરતા -સત્યતાનું મૂલ્યાંકન કરી રેગીંગ કરનારા કોલેજના ત્રીજા અને ચોથા વર્ગના વિદ્યાર્થીઓ સામે કાયદાકીય જોગવાઈ હેઠળ કયા શિક્ષાત્મક પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો