Placeholder canvas

દવાથી દરેક નાની તકલીફને દબાવી દેવાનું કેટલું વ્યાજબી?

નાની નાની તકલીફોમાં દવા લેવાની વૃત્તિ વધતી જાય છે. શરદી, ખાંસી, તાવ, દુખાવો, ઝાડા વગેરેમાં રાહત આપતી દવાઓ લેતી વખતે ભાગ્યે જ કોઇ એવું હશે કે જે વિચાર કરે કે આ તકલીફ શા માટે થાય છે? આ દવા લેવાથી ખરેખર લાભ થશે કે નુકસાન? મોટાભાગના લોકોને શારીરિક- માનસિક તકલીફોથી બચવાના ‘શોર્ટ કટ જોઇએ છે. એ બીમારીનાં કારણો જાણવા અને દૂર કરવામાં ખૂબ ઓછા દર્દીઓ રસ દાખવે છે. વળી, મોટા ભાગના લોકોને રોગ (બીમારી) અને એનાં લક્ષણો વચ્ચેનો ભેદ બરાબર ખબર નથી હોતી. પરિણામે રોગના લક્ષણને જ રોગ સમજી લેવાય છે. તાવ, શરદી-ખાંસી, દુખાવો, ઝાડા વગેરે રોજિંદી તકલીફો માત્ર બીમારીના લક્ષણ છે એ પોતે કંઇ બીમારી નથી. સારવારની ખરી જરૂર બીમારીનું સાચું કારણ પકડી, એને મૂળથી દૂર કરવાની હોય છે. દુર્ભાગ્યે લોકો આ વાત સમજ્યા વગર રોગનાં લક્ષણ મુજબ, માત્ર જે તે લક્ષણને દબાવી દેતી સ્ટ્રોંગ દવાઓ લેવાનો આગ્રહ રાખે છે. સાચુ નિદાન કર્યા વગર જ રોગનાં લક્ષણો દબાવી દેતી દવા લેવાથી દર્દીને ભારે નુકસાન થઇ શકે છે. આ હકીકતને જરા વિગતે સમજવી જોઈએ…

વાઇરસજન્ય : શરદીની દવા: વાઇરસ-જન્ય શરદીમાં નાક ગળવાનું પ્રયોજન નાકની અંદર ઘૂસેલ વાઇરસોને નાકની બહાર ધકેલવાનું છે, જેથી નાક અને શરીર જલદીથી વાઇરસથી છૂટકારો મેળવે. જો નાકના પ્રવાહીને સૂકવીને નાક ગળતું અટકાવી દેવામાં આવે તો શરદીના વાઇરસ નાકમાં ને નાકમાં રહી જશે અને જે શરદી ઓછા દિવસે મટવાની હશે તે બિનજરૂરી લંબાશે.

ખાંસી બંધ કરતી દવાઓ: ગળા, શ્વાસનળી કે ફેફસામાં રહેલ કચરા કે જંતુ ને શરીરની બહાર ધકેલીને શરીરને રોગ મુક્ત બનાવવાનું ઉપયોગી કામ ખાંસી કરે છે. જ્યારે ખાંસી સાથે ગળફો નીકળતો હોય ત્યારે જો ખાંસીને દબાવી દેતી દવા લેવામાં આવે તો જંતુ શરીરની અંદર રહી જવાને લીધે સાદી ખાંસીમાંથી ન્યુમોનિયા થતા વાર લાગતી નથી.

તાવ ઉતારવાની દવા: તાવ એ શરીરના રોગ પ્રતિકારક તંત્ર માટે ઉપયોગી પ્રક્રિયા છે. તાવનું કારણ જાણ્યા વગર તાવ ઉતારવાની દવા લેવાથી ગેરફાયદો જ થાય છે. તાવ ખૂબ વધી જાય ત્યારે અથવા કેટલાક ખાસ સંજોગોમાં ડોકટરની સલાહ મુજબ તાવની દવા લેવાથી ફાયદો થાય છે.

ઝાડો-મરડો બંધ કરવાની દવા: ઝાડા કે મરડો થવાનું પ્રયોજન આંતરડામાં ઘૂસી ગયેલ જંતુઓને શરીરની બહાર ધકેલવાનું છે. શરીર જેટલું જલદી એ જંતુઓથી છૂટકારો મેળવે એટલું વધુ સારું. ઝાડા બંધ કરવાની દવાઓ લેવાથી જંતુઓ આતરડામાંથી બહાર નીકળવાને બદલે ત્યાં જ પડી રહે અને પરિણામે જે બે દિવસે મટવાનું હોય એને મટતાં અઠવાડિયું લાગી જાય છે. ઝાડા દરમ્યાન માત્ર શરીરમાંથી પાણી અને ક્ષાર ઘટી ન જાય એ માટે એની પૂર્તિ કરતાં રહેવું જ જરૂરી છે.

દુખાવાની દવા: શરીરને રોગ અથવા ઇજાથી વધુ પડતું નુકસાન ન થાય એ હેતુથી શરીરમાં દુ:ખાવાની સંવેદના થાય છે. દુ:ખાવાના સ્થાન, પ્રકાર અને તીવ્રતા રોગોના નિદાનમાં ખૂબ અગત્યનો ફાળો આપે છે. દરેક નાની નાની દુ:ખાવાની તકલીફમાં દુ:ખાવાનું કારણ સમજયા વગર દુ:ખાવો દબાવી દબાવી દેવાનો પ્રયાસ નુકસાનકારક સાબિત થાય છે. દુ:ખાવાની મોટાભાગની દવાઓ લેવાથી પેટમાં (જઠરમાં) એસિડિટિની તકલીફ થઇ શકે. વળી, વધુ ડોઝમાં કે ખૂબ લાંબા સમય સુધી દવા લેવાથી કિડનિ કે લિવરને પણ નુકસાન થવાની શકયતા રહે છે.

ઊંઘની દવા: અમુક માનસિક કે શારીરિક બીમારીમાં (દા.ત,વ્યાકુળતા, હાર્ટ એટેક વેગેરેમાં) મર્યાદિત સમય માટે ઊંઘની દવા આપવી પડે છે પરંતુ સામાન્ય બીમારીમાં (દા.ત. મેલેરિયા) કે થોડાક ટેન્શન વખતે ઊંઘ ન આવે તો ઊંઘની દવા લેવી વ્યાજબી નથી. ઊંઘની દવાથી આવેલ ઊંઘ કુદરતી ઊંઘ કરતા ઉતરતી હોય છે. લાંબો સમય દવા લેવાથી વ્યસન સહિતની અનેક આડઅસર થાય છે.

ભૂખની દવા: નાની મોટી બીમારીઓ તથા કસરતના અભાવે ઘણાં બાળકોને ભૂખ નથી લાગતી. આવાં બાળકોનો સાચો ઇલાજ ભૂખ ન લાગવાનું કારણ શોધી એ કારણ દૂર કરવાનો છે. ભૂખ ઉઘાડવાનો દાવો કરતી દવાઓ, કાયમી ભૂખ ઉઘાડી શકતી નથી અને ભૂખ ન લાગવાનું કારણ દૂર કરી શકતી નથી. ભૂખ વધારવાની દવા ખરેખર કોઇએ કયારેય લેવાની જરૂર નથી હોતી.

શક્તિની દવા: લોકોને સૌથી વધુ ઘેલું હોય તો એ શક્તિની દવા, ટોનિક, ઇન્જેકશન અને બાટલાઓનું છે. મોટા ભાગની બધી બીમારીઓમાં, બીમારીને લીધે અશક્તિ આવે છે જે બીમારીમાંથી સાજા થયા પછી પણ કયારેક થોડા દિવસ સુધી રહે છે. આવા સંજોગોમાં, જેમ જેમ બીમારીની અસર ઘટે અને ખોરાક વધુ લેવાય તેમ તેમ શક્તિ વધે. ખોરાક સિવાય, શક્તિ મેળવવાનો બીજો કોઇ શોર્ટ-કટ નથી. કોઇ દવા, ટોનિક, ઇન્જેકશન અને બાટલાઓમાંથી ચોવીસ કલાક ચાલે એટલી પણ શક્તિ મળતી નથી.

વજન ઘટાડવાની દવા: વધુ વજન ધરાવતા અને કસરત કે ખોરાકી પરેજી કરવાની ભારે આળસવાળા અનેક દર્દીઓ વારંવાર વજન ઘટાડી નાંખવાની જાદુઇ દવા મેળવવા ફાંફાં મારતા હોય છે. આવી દવાઓથી ડિપ્રેશન સહિતની ગંભીર માનસિક આડઅસરો થાય છે. વજન ઘટાડવા માટે કોઇ દવા લેવાની જરૂર નથી હોતી. ખોરાકી પરેજી અને નિયમિત કસરતથી જ વજન ઘટી શકે છે.

આમ, આવી અનેક રોજેરોજની તકલીફો માટે સમજયા વિચાર્યા વગર દવા લેવી ન જોઇએ. શરીર એ આખું એક જૈવિક તંત્ર છે. એ કંઇ મશીન નથી કે એક ભાગ બગડયોને એક ચાંપ દબાવી એટલે ચાલુ થઇ ગયો. ભૂખ લાગવાની એક ચાંપ અને ન લાગવાની બીજી ચાંપ, ઊંઘ લાવવાની અને ઉડાડવવાની અલગ ચાંપ (કે દવા), ઝાડો શરૂ અને બંધ કરવાની, ઊલટી કરવાની અને ન કરવાની અલગ ચાંપ (કે દવા) હોત તો કેટલું સારું!

વિનંતી:- આ આરોગ્ય વિશે નો આર્ટિકલ આપને કેવો લાગ્યો એક કોમેન્ટમાં અચૂક જણાવશો…. જો આ લેખ તમને ગમ્યો હોય અને બીજાને લાભકારક થઈ શકે તેમ લાગતું હોય તો શેર કરજો…

આ સમાચારને શેર કરો