Placeholder canvas

વાંકાનેર: કણકોટમાં થયેલ રૂ. 2.79 લાખની ઉચાપત મામલે બેની ધરપકડ

તત્કાલીન સરપંચ સહિતના અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મનરેગાના કામમાં રૂ. ૨.૭૯ લાખની ઉચાપત કર્યાની તત્કાલીન સરપંચ સહિત ચાર સામે ફરિયાદ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં સરપંચ, ઈજનેર સહિત ચાર શખ્સોએ મિલીભગત કરીને મનરેગાના કામમાં ખોટા સરકારી કાગળો રજૂ કરીને આ કૌભાંડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવતા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ આ બનાવ મામલે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે અધિક મદદનીશ ઈજનેર સહિત બે આરોપીને ઝડપી લીધા છે.

વાંકાનેર તાલુકા વિકાસ અધીકારી વિમલ કે. ગઢવીએ અધિક મદદનીશ ઇજનેર એમ. આર. શેરસીયા ટેકનીકલ આસીશટન્ટ, પી. એન. ચૈાહાણ, તત્કાલીન મહિલા સરપંચ વી. બી. ઝાલા કણકોટ, મંજુર હુશેન બાદી (મેટ મનરેગા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત વર્ષ 2009 -10 દરમ્યાન વાંકાનેર તાલુકાના કણકોટ ગામમાં ખારાના તળાવ ઉંડુ ઉતારવાનુ કામ અને ખારચીયાનુ તળાવ ઉંડુ ઉતારવાનુ કામ મનરેગા યોજના હેઠળ કરવાનુ હતુ. આ કામમાં ખારાના તળાવમાં રૂ. ૧,૯૨૦,૮૦ નો ખર્ચ તથા ખારચીયાના તળાવમાં રૂ. ૮૭,૧૦૯ નો ખર્ચ કરી આરોપીઓએ આ કામના ખોટા મસ્ટર રોલ, જોબ કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી થયેલ કામ કરતા માપપોથીમાં વધુ માપની નોંધણી કરી સરકારી કામમાં ગેરરીતી આચરી હતી અને સરકારને રૂ. ૨,૭૯,૧૮૯ નુ નુકશાન કરી ગંભીર નાણાકીય ઉચાપાત કરી હોવાનું તપાસમાં બહાર આવતા આ મામલે વાંકાનેર ટીડીઓએ ફરિયાદ નોંધાવી છે.

તળાવ ઊંડું કરવાના કામમાં 2009માં ગેરરીતિ થયાની ગામના એક નાગરિકે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી હતી. તેથી, આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ ફરિયાદ સંદર્ભે ઉચ્ચકક્ષાએથી ધનિષ્ટ તપાસ થઈ હતી. લાંબો સમય તપાસ ચાલ્યા બાદ અંતે રાજ્ય સરકારના નિયામકે આ કૌભાંડને ઉજાગર કર્યું હતું. આથી, તપાસના આદેશ થતા અંતે ફોજદારી કાર્યવાહી થઈ છે. હાલ ચાર સામે ફરિયાદ થયા બાદ અધિક મદદનીશ ઈજનેર એમ.આર. શેરીશિયા અને મેટ મનરેગા મંજૂર બાદીની પોલીસે ધરપકડ કરી છે અને તેમની પાસેથી પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા છે. તેમજ ટીડીઓ પાસેથી પણ તપાસના સંદિગ્ધ પુરાવાઓ કબ્જે કર્યા હતા અને બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો