Placeholder canvas

રાજકોટ: કલાધર આર્ય પ્રોફેસર પદેથી પણ સસ્પેન્ડ: યુનિવર્સીટીમાં પ્રવેશબંધી ફરમાવાઈ !

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ-રજીસ્ટ્રારને બદનક્ષીની નોટીસ આપ્યા બાદ શિસ્તભંગ બદલ હુકમ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેકટર- પ્રોફેસર કલાધર આર્યને અગાઉ સીન્ડીકેટ મેમ્બર પદેથી હટાવાયા બાદ હવે પ્રોફેસર પદેથી પણ સસ્પેન્ડ કરી નખાતા આ વિશ્વ વિદ્યાલયનું રાજકારણ ગરમાયું છે.

સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી રહેતી આ યુનિ.માં ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સારૂ ઉચ્ચ શિક્ષણ આપવાને બદલે યુનિ.ના સત્તાધિશો ટાંટીયા ખેંચ અને ગંદા રાજકારણની પ્રવૃત્તિમાં ગળાડુબ રહેતા આ યુનિ.ની પ્રતિષ્ઠાને કાળો ધબ્બો લાગી જવા પામેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ સીન્ડીકેટ મેમ્બર ડો. નેહલ શુકલ દ્વારા યુનિ.ના કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી અને ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પારેખ સામે પેપર ફુટવાની ઘટનામાં એચ.એન. શુકલા કોલેજના કર્મચારી સામે ફરિયાદ નોંધાવી શુકલા કોલેજની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા બદલ રૂા.11 કરોડનો બદનક્ષીનો દાવો માંડેલ છે.

જે બાદ યુનિ.ના હ્યુમન રિસોર્સ ડેવલોપ સેન્ટરના ડાયરેકટર અને પ્રોફેસર કલાધર આર્યને પણ બોગસ અરજીનો સાચો દસ્તાવેજ ગણી યુનિ.ના કાર્યકારી કુલપતિ ભીમાણી અને ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પારેખ દ્વારા યુનિ.ના તબલા સમિતિના મેમ્બર પદેથી તેમજ સીન્ડીકેટ મેમ્બર પદેથી હટાવાતા ઉચ્ચ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પ્રકરણમાં પણ ડો. કલાધર આર્યએ યુનિ.ના કાર્યકારી કુલપતિ ભીમાણી અને રજીસ્ટ્રાર પારેખ સામે રૂા.1 કરોડનો બદનક્ષીનો દાવો ઝીંકી આરપારની લડાઈ શરૂ કરી છે.

આ ઘટનાક્રમ બાદ યુનિ.ના રજીસ્ટ્રાર પારેખ દ્વારા કલાધાર આર્યને અગાઉ સીન્ડીકેટ મેમ્બર પદેથી હટાવાયા બાદ હવે યુનિ.ના હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટર (એચઆરડીસી) સેન્ટરના પ્રોફેસર ડાયરેકટરના પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે યુનિ.ના રજીસ્ટ્રાર પારેખ દ્વારા કલાધર આર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ કલાધર આર્યને સૌ.યુનિ.ના કુલપતિની પરવાનગી વગર સૌ.યુનિ. કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો