Placeholder canvas

જુનાગઢ જળબંબાકાર: બધે જ પાણી પાણી….

જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જમીન ત્યાં જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતાર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વાહનો તણાઇ ગયા હતા. મકાનોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને કરી હતી. મુખ્યંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જૂનાગઢ શહેરમાં જ્યાં વધુ પાણી ભરાયાં છે, ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોંચાડવાની વ્યવસ્થા અંગે જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.

જૂનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ કમિશનર રાજેશ તન્ના પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્ર એ કરેલી તત્કાલ અને સમયસરની કામગીરીની માહિતી આપી હતી. જૂનાગઢ શહેરમાં રાહત કામગીરી માટે NDRF અને SDRFની બે-બે ટીમો તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં વધુ પાણી ભરાયાં છે તેવા વિસ્તારમાંથી તાત્કાલિક પાણી ખાલી કરવા માટે રાજકોટ સહિત નજીકના શહેરોમાંથી ડી- વોટરિગ પંપ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગિરનાર પર્વત પરથી વધુ વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં કાળવા ચોક અને તેની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાંથી જે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના માટે ફૂડ પેકેટ સહિત જરૂરી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક કલાકોથી શહેરમાં વરસાદ બંધ હોવાથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે એટલે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢ સહિત ભારે વરસાદવાળા જિલ્લાઓમાં જરૂરી તમામ મદદની વહીવટી તંત્રને ખાતરી આપી હતી

જૂનાગઢ કલેક્ટરે મુખ્યમંત્રીને વિગતો આપતાં કહ્યું હતું કે, જૂનાગઢમાં 10 ઇંચ થી વધુ વરસાદ થવાને કારણે શહેરમાં પાણી ભરાયા છે. જેના કારણે તાત્કાલિક ધોરણે 200 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જ્યારે અગાઉથી અંદાજે 750 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ પાણી ભરાયા હોય તેવા વિસ્તારમાં વિતરણ માટે અંદાજે 20,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં અત્યારે પાણીની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ જો રાત્રે વધુ વરસાદ આવે તો તેને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે. શહેરના 80 ટકા વિસ્તારોમાં વીજળી શરૂ થઈ ગઈ છે જ્યારે બાકીના વિસ્તારમાં વીજળી ચાલુ કરવામાં ટીમો સતત કાર્યરત છે.

આ સમાચારને શેર કરો