Placeholder canvas

વાંકાનેર: જીતુભાઇ સોમાણીએ વધુ એક લેટર બૉમ્બ ફોડયો

સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સત્ય બોલવાની કરેલ વાતને જવાબ આપતો પત્ર વાયરલ

વાંકાનેર : નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ગાઇડલાઇનનો ભંગ કરી ઉમેદવારી નોંધાવવા મામલે જીતુભાઇ સોમાણી અને જિલ્લા ભાજપ અને ખાસ કરીને સાંસદ મોહનભાઇ કુંડારીયા વચ્ચેનો વિવાદ સમવાનું નામ નથી લેતો. તાજેતરમાં સાંસદ મોહનભાઇએ એક નિવેદનમાં જીતુભાઇ સોમાણીને તેમના ઇષ્ટદેવ સત્ય બોલવાની પ્રેરણા આપે તેવું જણાવ્યુ હતું, તેનો જવાબ આપતા આજે જીતુભાઇ સોમાણીએ મોહનભાઈએ સત્ય બોલવાની વાત કરી હતી. તેની સામે મારો જવાબ શીર્ષક હેઠળ એક પત્ર લખ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પત્રમાં જીતુભાઇ સોમાણીએ લખ્યું છે કે, હું સાચો રઘુવંશી છુ હું ક્યારેય અસત્ય બોલતો નથી હું મારા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનના સોગંદ ખાઇને નીચેની વાત જણાવું છું વર્ષ 2019ની લોકસભાની ચુંટણીમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખના ઘરે આટલા કાર્યકરોની હાજરીમાં દિનુભાઈ વ્યાસ,ઈન્દુભા જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા આટલા લોકોની હાજરીમાં મોહનભાઈએ પોતાની ૩ દિકરીના સોગંદ ખાઇને વચન આપેલ તે વચન મોહનભાઈએ પાડેલ નથી તો કોણ અસત્ય બોલે છે તે પ્રજા એ વિચારવાનું.

2020ની મોરબી વિધાનસભાની પેટા ચુંટણીમાં મને બોલાવેલ સાથે યોગેન્દ્રસિંહ ઝાલા હતા અમો માર્કેટીંગ યાર્ડમાં ગયેલ ત્યારે મોહનભાઇ તેમજ પ્રદિપભાઈ વાળા અને યોગેન્દ્રસિંહ તેમજ હાજરીમાં વચન આપેલ તે વચન મોહનભાઇએ પાડેલ નહી તે પ્રજા વિચારે. 2017 મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા મોહનભાઈએ હરાવેલ તે મોરબી જીલ્લાના લોકો જાણે છે. અને આ બાબતે પ્રદેશમાં વારંવાર રજુઆત કરેલ છે.

2021ની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની ગાઈડલાઈન મુજબ ૬૦ વર્ષથી ઉપરનાને ટીકીટ ના આપવી છતા માળીયા નગરપાલિકાની ચુંટણીમાં 62 વર્ષ થી 75 વર્ષ સુધીનાને ટીકીટ આપેલ છતા દુર્લભજીભાઈ દેથરીયા (જીલ્લા પ્રમુખ ) વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કેમ નહી?

રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતી જસદણ અને વિછીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભરતભાઈ બોધરાની પક્ષ વિરોધી પ્રવૃતિ કારણે હાર થઈ છતા તેમા જીલ્લા પ્રમુખ દ્વારા પ્રદેશને કેમ કઈ રીપોર્ટ કરાવેલ નહી ફકત વાંકાનેર સાથે જ કિન્નાખોરી કેમ?

સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં મોહનભાઈ કુંડારીયા નવા જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ શહેર પ્રમુખ પાસે કોરો લેટરપેડ માંગેલ અને અમો કહી તેમ લખી આપો પરંતુ દિનુભાઈ વ્યાસે એ સત્ય હકીકત લખી જેથી તેને નોટીસ આપવામાં આવી.

મારા કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા નથી મારી સરકારમાં જમીન મેળવવા માટેની કોઈ ફાઈલ નથી પરંતુ જિલ્લાના અમુક આગેવાનોએ ખોટી જમીનો મંજુર કરાવેલ તે આવનાર સમયમાં પ્રજા સમક્ષ મુકવામાં આવશે.

વાંકાનેર નગરપાલિકાના ૨૮ ચુંટાયેલ સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ સર્વ સમંતિથી નકકી કરીને જિલ્લાને સુચવેલ પણ જયશ્રીબેન સેજપાલ લોહાણા સમાજમાંથી આવતા હોય અને મોહનભાઇ કુંડારીયા લોહાણા સમાજને રાજકીય રીતે ખતમ કરી નાખવા માંગતા હોય તેથી એક જ વોર્ડ માંથી પ્રમુખ- ઉપપ્રમુખના નામો મુકાવેલ.

મને રાજકીય રીતે ખતમ કરી નાખવા માટે મોહનભાઈ મારૂ ખુન કરાવી નાખે કા અકસ્માત કરાવી નાખે તેમજ મારા પર ફકત બે સામાન્ય કેસ હોય તો મને પાસામાં પુરાવી નાખે તેવો મને ભય છે.

મોહનભાઈ કુંડારીયા એમ કહે છે કે મારા રાજકીય જીવનમાં તુ પણ કહેલ નથી પરંતુ ૨૦૧૯ ની સંસદની ચુંટણીમાં જીલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડીયાને ખુલ્લી ધમકી આપેલ જે બાબતે લલીતભાઈ કગથરા નિવેદન આપેલ અને કહેલ કે કોગ્રેસના જીલ્લા પંચાયતના સભ્યને આવી ધમકી આપતા હોય તો તમો ભાજપના કાર્યકરોની કેવી વલે કરતા હશો આ વિડીયો યુ-ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રતિભા તથા વિજયભાના વિકાસયાત્રા તથા સી.આર. પાટીલની કુનેહથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડુ આવેલ છે. અને વિજય થયેલ પણ કોઈ એક વ્યક્તિ શેખી મારતું હોય કે અમારા કારણે વિજય થયેલ છે તો તેવુ શેખી મારવાની જરૂર નથી.

હું સંઘની વિચારા ધારા ધરાવું છું અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકતાં છું પરંતુ મોહનભાઈ કુંડારીયા મારૂ રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માંગતા હોય ફકત વ્યક્તિગત તેની સામે મારો વિરોધ છે.

આમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી અને સાંસદ મોહનભાઇ કુંડારીયા વચ્ચેના મતભેદો હવે દિવસે દિવસે વધુ ઘેરા બની રહ્યા છે ત્યારે આ નવા લેટર બોમ્બથી ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને લોકોમાં પણ અનેક વિધ ચર્ચાઓ ઉઠવા પામી છે.

આ સમાચારને શેર કરો