Placeholder canvas

જામનગરના સ્કુલ સંચાલકનો રાજકોટ પોલીસ પર આક્ષેપ મને ઉઠાવી લઇને 10 લાખનો ચેક લખાવ્યો હતો.

રાજકોટ પોલીસ સામે આક્ષેપોનો વરસાદ થઇ રહ્યો છે. સીપી સામે થયેલા આક્ષેપો અંગે હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી ત્યાં જ અનેક અરજદારો પોલીસની ગેરકાયદેસર પ્રવૃતિનો ભોગ બન્યાનું સામે આવી રહ્યું છે. જામનગરના સ્કુલ સંચાલક હિંમતભાઇ ભદ્રા આજે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા.

તેમણે પત્રકારો સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મને ઉઠાવી લઇ રૂા. 10 લાખનો ચેક પડાવી લીધો હતો. હિંમતભાઇએ જણાવ્યા મુજબ રાજકોટના એક મહિલાને એનઆઇઓએસ ઓપન ઇન્સ્ટીટયુટનું કેન્દ્ર શરૂ કરવું હોવાથી મારો સંપર્ક કર્યો હતો. જેથી મે દિલ્હી ખાતેના એક વ્યકિત આ અંગે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. હું અને મારા પત્ની તે મહિલા સાથે દિલ્હી ગયા હતા.

અહીં વિદ્યાર્થીઓની ફીની કાર્યવાહી તે મહિલાએ તેના બેંક એકાઉન્ટમાંથી કરી હતી. જોકે કોઇ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપતા નાપાસ થયા હતા. જે બાદ વિદ્યાર્થીેના વાલીઓએ રૂપિયા પરત માંગતા આ મહિલાએ રાજકીય દબાણ થકી ક્રાઇમ બ્રાંચ મારફત રૂપિયા પડાવવા કાવતરૂ રચ્યું હતું. મને મારી સ્કુલેથી ક્રાઇમ બ્રાંચની ટીમ ઉઠાવી ગઇ હતી અને રાજકોટ સીપી કચેરીએ લાવી ઢોર માર મારી, મારી પાસે 10 લાખનો ચેક લખાવ્યો હતો.

આ સમાચારને શેર કરો