Placeholder canvas

પોલીસના શ્વાસ અધ્ધર: આજે રિબડાના મુખ્ય ચોકની નજીક જ જયરાજસિંહ જાડેજા બતાવશે તાકાત.

સાંજે 7 વાગ્યાથી શરૂ થનારા સંમેલનને લઈને ગત રાતથી જ શરૂ કરી દેવાયેલી તૈયારીઓ: કાર્યક્રમ દરમિયાન ચકલુંય ન ફરકે કે સ્થિતિ ન વણસે તે માટે પોલીસનું રાઉન્ડ ધ પેટ્રોલિંગ ચેકિંગ: રાજકોટથી મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં હાજર રહેશે

રાજકોટ : વિધાનસભા ચૂંટણી પહેલાંથી જ ડખ્ખાનું ઘર બની ગયેલી ગોંડલની બેઠક ઉપર બે બાહુબલી જૂથ વચ્ચે ટક્કર ઓછી થવાનું નામ લઈ રહી નથી. ચૂંટણી પહેલાં બન્ને જૂથ દ્વારા એકબીજા સામે તરેહ-તરેહના પડકારો ફેંકવામાં આવ્યા બાદ મતદાનના દિવસે પણ બન્ને જૂથ વચ્ચે નાની-મોટી માથાકૂટ આકાર લઈ જવા પામી હતી. જો કે પરિણામ જાહેર થયા બાદ કોઈ જ પ્રકારનો મોટો ઝઘડો ન થયો હોવાથી તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. આ બધાની વચ્ચે ગતરાત્રે પોલીસની સમયસુચકતાને કારણે બન્ને જૂથ વચ્ચે ધીંગાણું ખેલાતાં સ્હેજમાં અટકી ગયું હતું. જો કે વાત આટલેથી જ પૂર્ણ ન થઈ રહી હોય

તેવી રીતે આજે ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રિબડાના મુખ્ય ચોકની અત્યંત નજીક આવેલા ખેતરમાં મહાસંમેલન થકી તાકાત બતાવવાની જાહેરાત કરી હોય પોલીસના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા છે. વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રિબડામાં ગતરાત્રે માથાકૂટ થયા બાદ જયરાજસિંહ દ્વારા રિબડાના મુખ્ય ચોકથી અત્યંત નજીક આવેલા એક ખેતરમાં મહાસંમેલન બોલાવવાનું એલાન કરવામાં આવ્યું હતું. એ વાત પણ નોંધવી રહી કે જ્યાં આ મહા સંમેલન થવાનું છે તે ખેતરથી અત્યંત નજીક રિબડાનો મુખ્ય ચોક આવેલો છે અને ત્યાં જ જયરાજસિંહ જાડેજાના હરિફ અનિરુદ્ધસિંહ જાડેજાનું ઘર આવેલું છે. જયરાજસિંહ દ્વારા આ સંમેલન થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવનાર હોવાથી રિબડા જૂથ દ્વારા તેમાં ખલેલ પહોંચાડવામાં આવશે તો ?

આ સહિતના પ્રશ્નો ગતરાતથી જ શરૂ થઈ ગયા હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરીને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ હાલ રજા ઉપર હોય તેમના સ્થાને ડીવાયએસપી કે.જી.ઝાલા બંદોબસ્તની કમાન જણાવશે. ડીવાયએસપી ઝાલાએ સાંજ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંમેલનને લઈને પોલીસ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ જ પ્રકારની અનિચ્છનીય ઘટના પોલીસ દ્વારા બનવા દેવામાં આવશે નહીં. જે વાડીમાં આ સંમેલન યોજાવાનું છે તેની આસપાસના વિસ્તારમાં તેમજ સંમેલનમાં હાજર રહેનારા લોકો ઉપર પણ પોલીસ ખાસ વોચ રાખશે. બીજી બાજુ આ સંમેલનમાં રાજકોટથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે

ત્યારે ગોંડલ હાઈ-વે ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે. સંમેલન પહેલાં એવી અટકળો વહેતી થઈ ગઈ છે કે આ સંમેલનમાં રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત અન્ય આગેવાનો પણ હાજર રહેવાના હોવાથી સંમેલનને સાંગોપાંગ પૂર્ણ કરવાનો પોલીસ સામે મોટો પડકાર રહેશે. એવી ચર્ચાઓ પણ વહેતી થઈ રહી છે કે સંમેલન શરૂ થાય તેના બે-ત્રણ કલાક પહેલાં જ રિબડા ગ્રુપમાં જેમની સામે ગુનો નોંધાયો છે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જ્યારે સંમેલન પૂર્ણ થયા બાદ પણ કોઈ પ્રકારની સ્થિતિ ન વણસે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત યથાવત રાખવામાં આવશે.

આ સમાચારને શેર કરો