Placeholder canvas

રાજકોટ: એઇમ્સ બાયપાસ રોડ પર IOCનું ગેસનું ટેન્કર લીક થયુ !!

રાજકોટ : આજરોજ જામનગરથી રાજકોટના બોટલીંગ પ્લાન્ટ માટે ગેસ ભરીને આવતું ઈન્ડીયન ઓઈલનું એલ.પી.જી.નું ટેન્કર એઈમ્સ બાયપાસ રોડ ઉપર ગુજરાત ગેસની પાઈપલાઈન અને આઈ.ઓ.સી.એલ.ની સલાયા મથુરા પાઈપ લાઈન નજીક લીક થતા ભારે અફડાતફડી મચી હતી. તાત્કાલીક જ ટેન્કરના ડ્રાઈવરે 100 અને 101 નંબર સહિત હેડ ઓફિસને ફોન કરીને ટેન્કરમાં લાગેલી આગ વિશે જાણકારી આપતા ફાયર ટીમ કોર્પોરેશન, ઈમરજન્સી મેડીકલ સર્વીસ 108ની ટીમ તથા પોલીસ તંત્ર સત્વરે પહોંચી ગયા હતા.

ટેન્કરમાં જ્યાં આગ લાગી હતી ત્યાં જ પી.જી.વી.સી.એલ.ની લાઈન પસાર થતી હોવાથી શોટ-સર્કિટ થવની સંભાવનાના પગલે પી.જી.વી.સી.એલ.ને જાણ કરવામાં આવતા જ તુરંત વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમયે ટેન્કરના ડ્રાઈવરે ફાયર એકસ્ટીન્ગ્વીશરનો સતત મારો ચાલુ રાખ્યો હતો. તે દરમિયાન ફાયર ટીમ કોર્પોરેશન પહોંતી જતા આગ પર કાબુ કરી લેવામાં આવ્યો હતો.

તેમજ ટીમના આઈ.ઓ.સી.એલ.ના કર્મચારી દ્વારા સ્પેશ્યલ સુટ પહેરીને ટેન્કરનો લીક થયેલો વાલ્વ વ્યવસ્થિત બંધ કરી દેતા મોટી જાનહાની ટળી હતી. સઘળી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપસ્થિતોને જાણ કરવામાં આવી હતી કે આ એક મોકડ્રીલ હતી. આ સાથે જ કલેક્ટર અરુણ મહેશ બાબુ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી. મોકડ્રીલ પૂર્ણ થતા કલેક્ટરે જરૂરી સુચનો કર્યા હતા

તેમજ સૌથી ઓછા સમયમાં પહોંચીને પોતાની શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગોના કર્મચારીઓને કલેક્ટરશ્રીએ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. આ તકે પ્રાંત અધિકારી વિવેક ટાંક, સંદિપ વર્મા, મામલતદાર કે. કરમટા, ચીફ જનરલ મેનેજર યોગેશ વિજય, ડેપ્યુટી જનરલ મેનેજર ધર્મેન્દ્ર ખન્ના, મેઈનલાઈન મેનેજર અકીલ પટેલ, ગુજરાત ગેસના વેંકટ સૂબ્રમણ્યમ, આઇઓસી માર્કેટિંગ ડેપો મેનેજર સિમ્બાશિવ રાવ, એલ.પી.જી. પ્લાન્ટના વરિષ્ઠ પ્લાન્ટ મેનેજર નિખિલ કુમાર નિરજ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો