રાજકોટ DDOનો નવતર પ્રયોગ : હોમ ક્વૉરન્ટીન લોકોના વાહનોની ચાવી જમા લેવાશે

હોમ ક્વૉરન્ટીનમાં રહેલી વ્યક્તિએ વાહનોની ચાવી ગ્રામ પંચાયતમાં જમા રહેશે, અન્ય કોઈ વ્યક્તિ વાહન આપશે તો ફરિયાદ થશે.

રાજકોટ : હાલ સમગ્ર ભારતમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત અને રાજકોટમાં પણ લૉકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલી વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે હોમ ક્વૉરન્ટીનમાં રહેલા લોકોએ પોતાના વાહનોની ચાવી જમા કરાવવાની રહેશે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલો લોકો ઘરની બહાર ન નીકળે તે માટે ડીડીઓ તરફથી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હૉમ ક્વૉરન્ટીન રહેલા લોકો બહાર નીકળી રહ્યાની ફરિયાદ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આવા લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પરંતુ હવે હોમ ક્વૉરન્ટીન લોકો પર નજર રાખવા અને કોરોના વધુ ફેલાતો અટકાવવા તમામ લોકોએ પોતાના વાહનની ચાવી ગ્રામ પંચાયતમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

આવું કરવાનો ઉદેશ્ય માત્ર એટલો જ છે કે હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલી વ્યક્તિ ઘર બહાર અન્ય જગ્યાએ ફરી શકે નહીં. જે લોકો હોમ ક્વૉરન્ટીનનું પાલન નહીં કરે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આથી હવે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો હૉમ ક્વૉરન્ટી કરવામાં આવ્યા છે તે લોકોએ તેમના તમામ વાહનોની ચાવી ગ્રામ પંચાયતમાં જમા કરાવશે.હૉમ ક્વૉરન્ટીનની મુદત પત્યા બાદ જ તેમના વાહનની ચાવી પરત આપવામાં આવશે. એટલું જ નહીં જો આ લોકોને અન્ય કોઈ પોતાનું વાહન આપશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ચાવી જમા લેતી વખતે ચાવીને પણ સેનિટાઇઝ કરવામાં આવશે.

હોમ ક્વૉરન્ટીન લોકોને બૂક અને પેન આપવામાં આવી

અન્ય રાજ્યોમાંથી રાજકોટ આવેલા 1200 હોમ ક્વૉરન્ટીન રહેલા લોકોને તંત્ર તરફથી એક બૂક અને પેન આપવામાં આવી છે. આ બૂકમાં હોમ ક્વૉરન્ટીનના 14 દિવસ દરમિયાન દિનચર્યા લખવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય દ્વારા 12 ખાસ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. દર્દીના સેમ્પલ લેવામાં અને તેમને હૉસ્પિટલ ખસેડવા માટે આ 12 પૈકી કોઈ એક એમ્બ્યુલન્સનો જ ઉપયોગ કરવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો