skip to content

ઔદ્યોગિક એકમોએ શરતોનું પાલન કર્યા બાદ જ મંજૂરી મળશે -કલેકટર મોરબી

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ઉદ્યોગો શરતોનું પાલન ન કર્યું હોય અને મંજૂરી માટે અરજી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી કલેકટર તંત્રએ ઉદ્યોગકારો જોગ તાકીદ કરી છે કે પહેલા શરતો પાળવામાં આવે અને બાદમાં મંજૂરી માટે અરજી કરવામાં આવે.

હાલ લોકડાઉન દરમિયાન આજથી મોરબી સહિત રાજ્યભરમાં ઉદ્યોગોને શરૂ કરવા માટે શરતી છૂટ આપવામાં આવી છે. આ માટે મોરબી જિલ્લામાં 950 જેટલા ઉદ્યોગોએ મંજુરી માટે અરજી કરી હતી. જો કે વહીવટી તંત્રએ રેન્ડમલી ચકાસણી કરતા મોટાભાગના ઉદ્યોગોમાં તંત્ર દ્વારા આપવામાં આવેલી શરતોનું પાલન ન થતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી કલેકટર તંત્રએ સ્પષ્ટતાથી જણાવ્યું છે કે ઉદ્યોગોમાં પહેલાં શરતોનું પાલન શરૂ કરવું પડશે બાદમાં જ તેને શરૂ કરવાની મંજુરી મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરવી. વધુમાં શહેરી વિસ્તારમાંથી હાલ અરજીઓ આવી રહી છે. શહેરી એટલે કે નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી મળવાની નથી. માટે શહેરી વિસ્તાર સિવાયના ઉદ્યોગોએ જ અરજી કરવી.

કલેકટર તંત્ર દ્વારા ઉદ્યોગોને શરૂ કરવા માટે જે 13 શરતો

ફેકટરીના મકાન, પ્રવેશદ્વાર, કેફેટેરિયા, કેન્ટીન, કોન્ફરન્સ હોલ, બંકર, સાધન- સામગ્રી, લિફ્ટ, વોશરૂમ, શૌચાલય, સિંક, પાણી પીવાના સ્થળ, દીવાલો, ભોંયતળીયા વગેરે જગ્યાઓને જંતુરહિત બનાવવી.

બહારથી કામ માટે આવતા કામદારો માટે ખાસ પરિવહન સુવિધા ગોઠવવી, વાહનમા કુલ કેપેસિટીના માત્ર 30થી 40 ટકા જ મુસાફરો બેસાડવા.

જગ્યામાં પ્રવેશ કરતા તમામ વાહનો અને સાધન સામગ્રીને ફરજીયાત પણે સ્પ્રેનો છંટકાવ કરીને જંતુરહિત બનાવવા.

કામના સ્થળોમાં પ્રવેશ કરતી અને કામનું સ્થળ છોડતી દરેક વ્યક્તિનું ફરજીયાત થર્મલ સ્કેનિંગ કરવું.

કામદારો માટે આરોગ્ય વીમો ફરજીયાત બનાવવો.

તમામ અંદર પ્રવેશવાના અને બહાર નીકળવાના સ્થળોએ અને સામાન્ય વિસ્તારોમાં હેન્ડવોશ અને ટચ ફ્રી મિકેનિઝમને અગ્રીમતા આપીને સેનેટાઇઝર માટેની જોગવાઈ કરવી જોઇએ.

કામના સ્થળોએ પાળી વચ્ચે એક કલાકનું અંતર હોવું જોઈએ. સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે સ્ટાફનો લંચ બ્રેક એ રીતે ગોઠવવો.

10 અથવા વધુ વ્યક્તિઓનો મોટો જમાવડો અથવા તેમની બેઠકને પ્રોત્સાહન આપવું નહિ. નોકરીના સ્થળો પર અને જમાવડા, બેઠકો અને તાલીમ સત્રોમાં બેઠકની વ્યવસ્થા એક વ્યક્તિ બીજી વ્યક્તિથી 6 ફૂટના અંતરે રહે તેવી રીતે ગોઠવવી.

લિફ્ટ અથવા હોઈસ્ટમાં 2/4 વ્યક્તિઓ કરતા વધુ વ્યક્તિઓને ( લિફ્ટના કદને આધારિત) અવર- જવર કરવાની પરવાનગી આપવી નહિ.

ચડવા માટે દાદરા( સીડી)ના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈશે

ગુટખા, તમાકુ વગેરે ઉપર કડકાઇથી પ્રતિબંધ હોવો જોઈશે.અને થૂંકવા ઉપર કડકાઇથી પ્રતિબંધ લાદવામાં આવશે.

સ્થળો ખાતે જેની જરૂર ન હોય તેવા બિન અસરકારક મુલાકાતીઓ પર સમગ્રત: પ્રતિબંધ હોવો જોઈશે.

કોવિડ-19 ના દર્દીઓની સારવાર કરવા માટે અધિકૃત કર્યા હોય તેવા નજીકના વિસ્તારોમાની હોસ્પિટલને મુકરર કરવા જોઈશે. અને તમામ વખતે કામના સ્થળે તેનું યાદી લભ્ય કરવી જોઈશે.

જો આ શરતોનું પાલન કર્યા વગર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે તો તેની સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જાહેર કર્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો