અમદાવાદથી પોલીસનો પરિવાર વાંકાનેર પહોંચ્યો : માતા-પુત્ર સામે ગુનો નોંધાયો
વાંકાનેર : રાજ્યમાં કોરોનાના સૌથી વધુ હોટ સ્પોટ અમદાવાદમાંથી જોખમી રીતે લોકોની મોરબી જિલ્લામાં ઘૂસણખોરી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાંથી એક લેડી પોલીસ કોન્સ્ટેબલના ભાઈ અને માતા જોખમી રીતે મોરબીના જિલ્લાના વાંકાનેર તાલુકાના મહિકા ગામે આવ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતાં પહેલા તકેદારીના પગલાં લઈને બાદમાં આ બન્ને માતા પુત્ર સામે કોરોના જાહેરનામાના ભંગનો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેઙકોન્સ.ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહએ પૂથ્વીરાજભાઇ ચંદુભાઇ ચાવડા (ઉ.વ. ૨૦) અને તેમના માતા જયોતીબેન ચંદુભાઇ ચાવડા (ઉ.વ. ૫૦ ધંધો ધરકામ રહે. બંને હાલ અમદાવાદ દાણીલીમડા પોલીસ લાઇન કવાર્ટર નં. બી – ૧૧ રૂમ નં. ૧૩ અમદાવાદ મુળ રહે. ગામ મહીકા તા.વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદની.પોલીસ લાઈનમાં રહેતી એક લેડી પોલીસ કોન્સ્ટેબલના ભાઈ અને માતા છે.આ બન્ને મુળ વાંકાનેરના મહિકા ગામના વતની છે. જોકે હાલમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ કહેર છે અને કોરોનાથી પ્રભાવિત અમદાવાદમાં રહેતા લોકોથી અન્યોને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અમદાવાદમાં જ જે તે સ્થળે રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. તેમ છતાં આ નિયમનું ઉલ્લંઘન કરીને કોરોનાનું સંક્રમણ ફેલાય તે રીતે અમદાવાદના લેડી પોલીસ કોન્સ્ટેબલના ભાઈ અને માતા જોખમી રીતે પબ્લીક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને વાંકાનેરના મહિકા ગામે આવ્યા હતા. જેની જાણ થતા તંત્રએ તકેદારીના પગલાં લીધા છે અને પોલીસે બન્ને સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.