Placeholder canvas

પી.એમ.ગતિશક્તિ પોર્ટલનો પ્રભાવશાળી ઉપયોગ કરનારો રાજકોટ દેશનો પ્રથમ જિલ્લો

હિરાસર એરપોર્ટ, એઇમ્સ, અમૂલ પ્રોજેક્ટ, જીઆઈડીસી સહિતના પ્રોજેક્ટોને ગતિ આપવા માટે પોર્ટલનો ઉપયોગ

રાજકોટ: ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરોની આજે યોજાયેલ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રાજ્યના આયોજન સચિવ રાકેશ શંકર તથા રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ જોડાયા હતાં. આ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા નીતિ આયોગ અને વડાપ્રધાન કાર્યાલય સમક્ષ રાજકોટના વિકાસ પ્રોજેક્ટો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

કોન્ફરન્સમાં આયોજન સચિવ રાકેશ શંકર દ્વારા રાજ્ય તરફથી જિલ્લો વિકાસનો આધારબિંદુ એ વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું જ્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ રાજકોટમાં આર્થિક આયોજનમાં સાધન તરીકે પીએમ ગતિશક્તિ ર્પોલનો ઉપયોગ એ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

જેમાં જિલ્લામાં વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ પ્રકલ્પો જેમ કે હિરાસર એરપોર્ટ, એઇમ્સ, અમૂલ પ્રોજેક્ટ,જીઆઈડીસી, રાજકોટ-કાનાલૂસ ડબલીંગ પ્રોજેક્ટ, જન આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીઓના કાર્યોને ગતિ આપવા માટે પીએમ ગતિશક્તિ પોર્ટલનો કઇ રીતે ઉપયોગ કરવામાં આવે છે તેની રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ એ દેશનો એવો પ્રથમ જિલ્લો છે કે જે વિવિધ પ્રકલ્પોના સંચાલન માટે પીએમ ગતિશક્તિ પોર્ટલનો પ્રભાવશાળી રીતે ઉપયોગ કરે છે તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું. આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યના કેબીનેટ સેક્રેટરી રાજીવ ગોબા તેમજ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પરિષદના સીઈઓ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ રાજકોટના પ્રાંત અધિકારી સંદીપ વર્મા અને વી.વી.ટાંક ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચારને શેર કરો