ભાજપે નરહરી અમીને જીતાડવા માટે હવે કોંગ્રેસના કેટલા ધારાસભ્યોનો ભોગ લેવો પડશે? જાણો અટપટું ગણિત
રાજકીય ઉથલ પાથલથી હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. જ્યારે ભાજપ ત્રીજી બેઠક જીતવાની નજીક આવી ગયો છે…
ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને કારણે ગુજરાત કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે. રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. આ રાજકીય ઉથલ પાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. બીજી તરફ ભાજપ ત્રીજી બેઠક જીતવાની નજીક આવી ગયો છે અને હવે કોંગ્રેસના માત્ર એક ધારાસભ્યના રાજીનામા સાથે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનની જીત પાકી થઈ જશે.
કોંગ્રેસનો એક ધારાસભ્ય રાજીનામું આપે એ સાથે વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 174 થઈ જશે. રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 174 ધારાસભ્યો છે અ પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 35 મત મળે તો ઉમેદવાર જીતી શકે. ભાજપના 3 ઉમેદવારે જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યા બળ છે. એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104 પર પહોંચે અને ભાજપે જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. એટલું જ નહીં પણ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બંને ધારાસભ્યોના મત પણ લેવા પડે.
કોંગ્રેસ પાસે હાલ 68 ધારાસભ્યો છે. કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ પરંતુ તેની પાસે 68 મત છે. એક ધારાસભ્ય તૂટે તો તેના સભ્યોની સંખ્યા 67 થાય. અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસને મત આપે તો પણ કોંગ્રેસને બે મત ખૂટે. આ સંજોગોમાં સેકન્ડ પ્રેફરન્સના મતના આધારે નરહરી અમીન જીતી જાય કેમ કે ભાજપ પાસે 104 ધારાસભ્યો છે ને એ તમામ સેકન્ડ પ્રેફરન્સ નરહરી અમીનને જ આપે. આમ છતાં કોંગ્રેસ માટે એક શક્યતા એ રહેલી છે કે જો એનસીપીના કાંધલ જાડેજા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બંને ધારાસભ્યોના મત કોંગ્રેસના ઉમેદવારને મળે અને કોંગ્રેસના હવે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે તો કોંગ્રેસના બને ઉમેદવાર જીતી શકે છે…. છે હાલમાં તો અશક્ય લાગી રહ્યું છે…!!