Placeholder canvas

ક્રિકેટ રમતાં રમતાં વધુ એક યુવકનું મોત.

મોરબીના લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન ગ્રામસેવકને હાર્ટએટેક આવ્યો.

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ક્રિકેટ રમતાં રમતાં ખેલાડીઓનું મેચ દરમિયાન કે પ્રેક્ટિસ દરમિયાન હાર્ટઅટેકથી મોત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા. એ સમયે તેમને હાર્ટઅટેક આવ્યો હતો, જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. ઘટનાને પગલે તાજેતરમાં યોજાનારી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ મોરબી જિલ્લા ક્રિકેટ ટીમના ખેલાડી, મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારી અને હળવદ તાલુકામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કણઝારીયા લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા. પ્રેક્ટિસ દરમિયાન તેમણે મિત્રોને જણાવ્યુ હતું કે, તેમની તબિયત નાદુરસ્ત છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન તેમને હાર્ટઅટેક આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ દુ:ખદ બનાવને પગલે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આગામી તારીખ 26/03/2023 થી તારીખ 31/03/2023ના રોજ યોજાનારી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી અને ટુર્નામેન્ટ હવે પછી સંભવિત તારીખ 10/04/2023થી તારીખ 15/04/2023 દરમ્યાન યોજવાનું એક પરિપત્રના માધ્યમથી જણાવ્યુ હતું.

આ સમયગાળા દરમ્યાન તેમણે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને અપીલ કરી હતી કે, તેમના હસ્તકની ટીમમાં સામેલ કર્મચારીઓના આરોગ્ય જોખમાઈ નહીં તે માટે જરૂરી પરીક્ષણ અને લેબટેસ્ટ કરાવવામાં આવે તથા ત્યારબાદ જ આગામી ટુર્નામેન્ટમાં સ્વસ્થ ખેલાડીઓ ભયમુક્ત મનથી ભાગ લઈ શકે તેવું જણાવ્યુ હતું.

આ સમાચારને શેર કરો