Placeholder canvas

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ત્રણનાં મોત

રાજકોટ: શહેરમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં હાર્ટફેલ થતાં વધુ ત્રણ વ્યક્તિના મૃત્યુ થવાની અલગ અલગ જગ્યાએ ત્રણ ઘટનાઓ બની છે.

આજી ડેમ ચોકડી પાસેના સુંદરમપાર્કમાં રહેતા જગદીશભાઇ દાનાભાઇ બોસિયા (ઉ.વ.42) મંગળવારે સવારે 4 વાગ્યે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના ભાઇઓને વહેલા કામ પર જવું હોઇ જગદીશભાઇને જગાડતાં તેઓ ઢળી પડ્યા હતા અને બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. જગદીશભાઇને હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. જગદીશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતા, તેમને સંતાનમાં બે પુત્ર છે, તેઓ કેટલાક સમયથી શ્વાસની તકલીફનો સામનો કરતા હતા.

અન્ય એક બનાવમાં જસદણના દહીંસરા ગામે રહેતા જેરામભાઇ લક્ષ્મણભાઇ બારૈયા (ઉ.વ.52) સોમવારે સાંજે રાજકોટના કોઠારિયામાં રહેતા તેમના ભત્રીજા રસિકભાઇ બાવજીભાઇ બારૈયાના ઘરે આંટો આવ્યા હતા, રાત્રીના એકાદ વાગ્યે અચાનક જ જેરામભાઇ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટફેઇલ થઇ ગયાનું પરિવારજનોએ કહ્યું હતું, જેરામભાઇ ખાનગી કંપનીમાં સફાઇનો કોન્ટ્રાક્ટ રાખતા હતા, અને તેઓ ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે.

આ ઉપરાંત ખોખડદળ પુલ પાસે શિવધારા સોસાયટીમાં રહેતા અને કેટલાક સમયથી ઘર છોડીને ગોવિંદનગર નજીક મંદિર પાસે રહેતા દેવાયતભાઇ નાગદાનભાઇ ધ્રાંગા (ઉ.વ.48) સોમવારે સાંજે અચાનક ઢળી પડતાં હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. દેવાયતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજા નંબરના હતા અને અપરિણીત હતા.

આ સમાચારને શેર કરો