હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત: ધરપકડ નહીં થાય.
હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાર્દિક પટેલની ધરપકડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. એક અઠવાડિયા સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે. હાર્દિક પટેલે સુપ્રીમકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, પોલીસે આ બાબતે જરૂરી કાર્યવાહી પણ નથી કરી એટલે ધરપકડ કરવાનું કોઈ કારણ નથી. સુપ્રીમ કોર્ટે પણ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવીને પોલીસને ફટકાર લગાવીને પૂછ્યું છે કે, પાંચ વર્ષથી ગુજરાત પોલીસે શું કાર્યવાહી કરી છે અને આ બાબતે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર પણ નારાજગી પણ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે પોલીસને તપાસમાં આટલો સમય કેમ લગાવવામાં આવ્યો છે તે બાબતે જવાબ રજૂ કરવાનું જણાવ્યું છે.
આ કેસમાં વર્ષ 2015 રાજદ્રોહના હાર્દિક પટેલ સેશન્સ કોર્ટની ટ્રાયલમાં સતત ગેરહાજર રહેતો હોવાથી સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. તેથી ક્રાઈમ બ્રાંચ પોલીસે વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડીથી તેની ધરપડક કરી હતી. ધરપકડ બાદ હાર્દિક પટેલને રાત્રીના સમયે મેટ્રો પોલીટન મેજિસ્ટ્રેટ ગણાત્રાના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 24 જાન્યુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલની જામીન અરજીને સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને હાર્દિક પટેલના 25,000ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
શરતી જામીન મળ્યા પછી પણ હાર્દિક પટેલ સેસન્સ કોર્ટની મુદ્દતમાં હાજર નહીં રહેતા તેની સામે કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. સેસન્સ કોર્ટના બિનજામીનપાત્ર વોરંટ સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. હાર્દિક પટેલની આ અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી, તેથી હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજીને ધ્યાનમાં લઇને તેની ધરપકડ પર રોક લગાવી છે.