Placeholder canvas

નેશનલ સ્પોર્ટ્સ ડે ના દિવસે ગુજરાતની દીકરી ભાવિના પટેલે ટોક્યો પેરલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

ટોક્યો પેરલિમ્પિક્સમાં ભારતને મળ્યો સૌપ્રથમ મેડલ : વતન મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામમાં ઉત્સવ જેવો માહોલ, ફટાકડા ફોડી ઉજવણી કરાઇ…

ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતની દીકરી ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. મહિલા સિંગ્લસ ટેબલ ટેનિસ ફાઈનલ મેચમાં ભાવિનાની ચીનની ઝો યિંગ સામેના મુકાબલા ત્રણ સીધા સેટમાં (૭-૧૧, ૫-૧૧, ૬-૧૧) હાર થઈ છે. ૧૯ મિનિટમાં મેચનું પરિણામ આવ્યું. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગ્રુપ સ્ટેજના પ્રથમ મેચમાં પણ ચીનની આ જ મહિલા ખેલાડી સામે તેની હાર થઈ હતી. ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો, દેશનું ગૌરવ વધાર્યું છે.

આ વર્ષે ભાવિનાએ સૌપ્રથમ વખત પેરાલિમ્પિકસમાં ભાગ લીધો હતો.

મુળ મહેસાણાના ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત અને ગુજરાત એમ બંનેનો ડંકો વગાડી દીધો છે. પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનીને સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ પેહલા તેમણે સેમી ફાઇનલમાં ચીનની મિઆઓ ઝેંગને 3-2થી પરાજિત કરી દીધી છે. 34 વર્ષીય ભાવિના દુનિયાની ત્રીજા નંબરની ખેલાડી ઝેંગને સેમિફાઈનલમાં 7-11, 11-7, 11-4, 9-11 અને 11-8 થી હરાવી છે, જે મુકાબલો 34 મિનિટ સુધી ચાલ્યો હતો. ફાઈનલમાં પહોંચતાંની સાથે જ ભાવિનાનો મેડલ પાક્કો થઈ ગયો હતો.

ભાવિનાના ગામમાં ઉત્સવ જેવો માહોલ :

ટોક્યો પેરાઓલિમ્પિકમાં ગુજરાતી ખેલાડીનો દબદબો છવાયો છે. ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલમ્પિકમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ મેળવ્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ત્યારે સવારથી જ સુંઢિયા ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો. ગામમાં મોટી સ્ક્રીન લગાવીને ભાવિનાની મેચ જોવાનુ આયોજન કરાયુ હતું. આખુ ગામ સવારથી જ આ સ્ક્રીન સામે તાકીને બેસી રહ્યુ હતું. સવારથી જ લોકો ગરબા રમીને ગુજરાતના આ ગૌરવને વધારી રહ્યા છે. ભાવિનાને સિલ્વર મેડલ મળવાથી માતા નિરંજનાબહેન અને પિતા હસમુખભાઈની ખુશીનો પાર નથી રહ્યો. તેઓએ મીઠાઈ ખવડાવીને દીકરીની જીતને વધાવી હતી.

લકવાને કારણે ભાવિના દિવ્યાંગ બની હતી.

ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે અને હાલ ભાવિના પટેલ ESICની અમદાવાદ ઓફિસમાં મહેસૂલ વસૂલી સેલમાં આસિસ્ટન્ટ હેડ ક્લાર્ક તરીકે કાર્યરત છે. ભાવિના પટેલે સરકારની મેરીટોરિયસ સ્પોર્ટસ પર્સન યોજના હેઠળ નોકરી મેળવી હતી. મહેસાણા જિલ્લાના સૂંઢિયા ખાતે કટલરીની દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની દીકરી ભાવિના પટેલને બાળપણથી જ ટેબિલ ટેનિસની રમતમાં રસ હતો અને બાળવયે જ લકવાના કારણે બંને પગ ગુમાવતાં ભાવિના પટેલે દિવ્યાંગ મહિલાઓની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાવિના સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએટ છે.

આ સમાચારને શેર કરો