Placeholder canvas

વધુ એક બુરે દીન! રહેણાંક વીજ ગ્રાહકોને લૂંટવા ‘ટાઇમ ઓફ ડે’ના નામે કમાણી કરવા સરકારની દાનત

‘જર્ક’ દ્વારા જનતાને પડ્યા ઉપર પાટુ મારવા સમાન આ પોલીસીને મંજૂરી પણ આપી દેવાઇ

કોરોના કાળમાં ગુજરાતની જનતાની આર્થિક હાલત ડામાડોળભરી બની ગઇ છે. બીજીબાજુ પેટનો ખાડો પુરવા શાકભાજી, રાશનથી લઇને પેટ્રોલ-ડિઝલ, રાંધણ ગેસ સહિતમાં મોંઘવારી આસમાનને આંબતી જાય છે. ઘરના બે છેડા કઇ રીતે ભેગા કરવા એવી આ હાલત વચ્ચે સરકાર જનતાને પડ્યા ઉપર પાટુ મારવાની ફિરાકમાં છે.

વીજ કંપનીઓ થકી કમાણી કરવા માટે સરકાર ટાઇમ ઓફ ડેના નામે નવી પોલીસી અમલી બનાવવા જઇ રહી છે. જેમા રહેણાંક વીજ ગ્રાહકોને પીકઅવર્સ સવારે 7 થી 11 અને સાંજે 6 થી 10માં વીજ વપરાશના વધુ ચાર્જનો ડામ આપવામા આવશે. ‘જર્ક’ દ્વારા આ નવી પોલીસીની મંજૂરી પણ આપી દેવામા આવી છે.

એકબાજુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રવેશથી રાજકીય ધમાસાણ ચાલી રહી છે. આપ પાર્ટી દિલ્હી મોડેલથી ગુજરાતમાં ચૂંટણી લડવા જઇ રહી છે. દિલ્હીમાં અમુક યુનિટ સુધી વીજળી મફત આપવામા આવે છે. વોટબેંક ઉપર અસર કરતી આ બાબતને લઇને આપ પાર્ટી જોર લગાવી રહી છે ત્યાંરે બીજીબાજુ ગુજરાતમાં વીજ વપરાશ મોંઘોદાટ બનતો જાય છે.

થોડા સમય પહેલા જ યુનિટદીઠ ટેરીફ વધ્યો છે ત્યાં હવે વધુ એકવાર કમર ભાંગી નાંખે તેવી સરકારની લૂંટ નીતિ અમલી બનવા જઇ રહી છે. સવારે 7 થી 11 અને સાંજે 6 થી 10ના પીકઅવર્સમાં વીજ વપરાશનો ચાર્જ વધુ વસુલવામા આવશે. આ નવી પોલીસીને ‘જર્ક’ દ્વારા મંજૂરી પણ આપી દેવામા આવી છે. સંભવત: આવતા વર્ષથી આ લૂંટ પોલીસીની અમલવારી થઇ જાય તો પણ નવાઇ નહીં રહે.

ગુજરાતમાં વીજ વપરાશના ડેટા જોઇએ તો પીકઅવર્સમાં 18,500 મેગાવોટનો વપરાશ રહે છે જ્યારે રાત્રિના સમયે 13000 મેગાવોટ થઇ જાય છે. પીકઅવર્સમાં વીજ વપરાશ ટેરીફની અલગથી પોલીસી બનાવવા અંગે વીજ કંપનીઓ સરકારમાં સતત રજૂઆત કરતી આવી છે જેના પગલે આ નવી પોલીસી ઘડવામા આવી છે. જેને ‘જર્ક’ દ્વારા મંજૂરી પણ આપી દેવામા આવી છે.

ગુજરાતમાં વિવિધ વિજકંપનીમાં નોંધાયેલા ડેટા મુજબ રાજ્યમાં કુલ 118 લાખ વીજ ગ્રાહકો છે. જેમા પીજીવીસીએલ(પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ)માં 36.96 લાખ વીજગ્રાહકો છે. આ તમામને ટાઇમ ઓફ ડે પોલીસીમાં વધુ બીલ ચુકવીને માઠી અસર થવાની નોબત આવવાની છે.

નવા મીટર લાગશે, કલાકદીઠ વીજ વપરાશ નોંધાશે
ટાઇમ ઓફ ડે પોલીસીમાં સવારે 7 થી 11 અને સાંજે 6 થી 10ના આ પીક અવર્સ દરમિયાન કેટલા યુનિટ વીજ વપરાશ થાય છે તેની અલગથી નોંધ થાય તેવુ ખાસ મીટર લગાવવામા આવશે.

આ સમાચારને શેર કરો