Placeholder canvas

ઘરણેન્દ્ર સંઘવીએ તુલસીનાં બીજ સાથેની ઇકો ફ્રેન્ડલી કંકોત્રી બનાવી

સુરત શહેરનાં કરુણાસભર ઘરણેન્દ્ર પી. સંઘવી (મેથળાવાળા)એ પોતાના દીકરાનાં લગ્નની કંકોત્રી ચકલીનાં માળાની બનાવ્યા બાદ ફરી એક અદભુત વિચાર કર્યો છે અને વ્હાલસોયી દીકરી રિદ્ધિનાં લગ્નની પત્રિકા પર્યાવરણ, સંસ્કૃતિ અને માનવતાને લક્ષમાં રાખીને બનાવવામાં આવી રહી છે. ઘરણેન્દ્ર સંઘવી સુરતની કરુણા, ચંદ્ર,અશોક અને સોમ સંસ્થાનાં સ્થાપક છે. આજે જગત વિકાસના પંથે છે એવામાં ધર્મરક્ષા, જીવરક્ષા, રાષ્ટ્રરક્ષાનાં ક્ષેત્રે આર્થિક સંપત્તિ અને સમયનું દાન કરી ઉત્તમ કાર્યો કરનારા ઘરણેન્દ્ર પી. સંઘવી (મેથળાવાળા)ની દીકરીનાં લગ્ન 6 જૂને યોજાયાં છે. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ હોવાથી તેને ધ્યાનમાં રાખીને હાથે બનાવેલા ઇકો ફ્રેન્ડલી કાગળમાં તુલસીનાં બીજનું મિશ્રણ કરીને કંકોત્રી બનાવવામાં આવી છે.

આ કંકોત્રી અનોખી એટલા માટે છે કે એ હાથે બનાવેલ કાગળની છે. એ કાગળમાં તુલસીનાં બીજ છે. પ્રસંગ બાદ તમે આ કંકોત્રી કચરામાં નાખવાને બદલે 24 કલાક પાણીમાં ડુબાડીને કૂંડામાં નાખશો તો શુભ અને પોઝીટીવ ઓરા આપતી તુલસીનો છોડ આપોઆપ ઉગી જશે. ઘરણેન્દ્રભાઇનું માનવું છે કે આ ભલે ડિજીટલાઈઝેશનનો જમાનો હોય પરંતુ જો આપણે સંસ્કાર અને સંસ્કૃતિ છોડી દઇશું તો એ વિનાશ આણશે. એ કારણથી જ તેમણે આ કંકોત્રીનું લખાણ હાથથી લખાવવા માટે લાજપોર જેલના કેદીયો તેમ જ સહાયમ્ સંસ્થાનાં દિવ્યાંગોની મદદ પણ લીધી છે. ઘરણેન્દ્રભાઈ માને છે કે કર્મનાં કારણે કોઈ બંદીવાન (કેદી) છે, તો કોઈ દિવ્યાંગ છે, એમ છતાં તેઓ સારા કાર્યો કરીને પોતાનાં કર્મને સુધારી શકે છે તેમજ આવકનો સ્ત્રોત પણ ઊભો થાય અને નેગેટીવીટી દૂર થાય. આ કંકોત્રી સાથે તેઓ પક્ષીઓ માટે નાનો સુંદર, ચણ તેમજ પાણીની વયસ્થા હોય અને ઘરે લગાવી શકાય એવા ચબુતરાનું સંભારણું પણ આપવાના છે. આ કંકોત્રીની શાહી પણ તેમણે જાતે કેમિકલરહિત બનાવી છે અને રંગ પણ ઇકોફ્રેન્ડલી વાપર્યા છે.

ઘરણેન્દ્રભાઈએ ચાર વર્ષ પૂર્વે પોતાના દિકરાનાં લગ્નની કંકોત્રી ચકલીનાં માળા સ્વરૂપે બનાવી હતી, જેની સમાજે નોંધ લીધી હતી. ઘરણેન્દ્રભાઈની ઓળખ જ બિનઉપયોગીને ઉપયોગમાં લઈ શકાય એવી અવનવી ચીજો બનાવી રાષ્ટ્રહિતનાં કાર્યો કરનારા તરીકેની છે. ઘરણેન્દ્રભાઈ એક દવા બૅન્ક પણ ચલાવી રહ્યા છે. સામાન્ય રીતે આપણે માંદા પડીએ ત્યારે દવા ખરીદીએ છીએ, પરંતુ સારું થઈ જતાં કેટલીક દવાઓ એમને એમ પડી રહેતી હોય છે, તેમાંથી કેટલીક દવા તો લાંબો સામે ચાલે એવી હોય છે. ઘરમાં એ દવા કોઈ કામની નથી હોતી, પરંતુ એ દવા મેળવીને કોઈ જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવે તો તેને આર્થિક રાહત થવા સાથે એ દવા ઉપયોગી થાય છે. ઘરણેન્દ્રભાઈએ આવી દવાઓ મેળવીને જરૂરિયાતમંદોને આપવાનું શરૂ કર્યું છે. સુરતનાં ડ્રગ કમિશ્નર રૂપમભાઈ પટેલનાં સહયોગથી આ ‘કરુણા દવા બૅન્ક’નું કાયદાકીય લાયસન્સ મેળવીને આ દવા બૅન્કનું સંચાલન ફાર્માસીસ્ટ નિતેશભાઈ શાહ સંભાળે છે.

આપણે નવરાત્રિનાં નવ જ દિવસ ગરબે તો ઘૂમીએ છીએ. એ દરમિયાન પૂજામાં ગરબી એટલે કે માટલી રખાતી હોય છે. નવરાત્રિનાં છેલ્લા દિવસે એ માટલીનું વિસર્જન કરવાનું હોય છે. ઘરણેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આ માટલીનો સદઉપયોગ થાય તો ચકલીઓને કોન્ક્રીટનાં જંગલસમા શહેરમાં રહેવાનું સ્થાન મળી જાય. એ માટે તેમણે સંતોને મળીને માટલીનું નવસર્જન કરવા માટે સમજાવી લીધા. આજે એ માટલીઓ ચકલીઓનાં માળારૂપે શહેરમાં ઘટતી જતી ચકલીઓની વસ્તી વધારવાનું કામ કરી રહી છે. ઘરણેન્દ્રભાઈ અનેકવિધ સત્કર્મો દ્વારા પોતાનું સમગ્ર જીવન પર્યાવરણને સમર્પિત કરી રહ્યા છે. ઘરણેન્દ્ર સંઘવી (મો. 93765 33377)

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો