આર.ટી.આઈ.થી માહિતી મેળવવુ હવે બન્યું સરળ

હજુ સમગ્ર રાજ્યમાં ઓનલાઇન સિસ્ટમ થઈ નથી
અત્યારે માત્ર સચિવાલયની માહિતી માટે જ ઓનલાઇન સિસ્ટમ

ગુજરાતમાં અત્યાર સુધી સચિવાલયના સરકારી વિભાગોની માહિતી રાઇટ ટુ ઇન્ફર્મેશનના કાયદા હેઠળ મેળવવા માટે અરજદારોને ગુજરાત રાજ્ય માહિતી આયોગની ગાંધીનગરની કચેરી સુધી ધક્કા ખાવા પડતા હતા, પણ હવે જૂના-નવા સચિવાલયોમાં આવેલી વિવિધ સરકારી વિભાગો પાસેથી માહિતી મેળવવા માટે અસંખ્ય રજૂઆતો બાદ ઓનલાઇન સિસ્ટમ ઊભી થઈ છે.

સરકારને ઓનલાઇન આરટીઆઇ પોર્ટલ ઊભું કરવુ પડ્યું
આયોગે માહિતી અધિકાર અધિનિયમ-2005 અને ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-2010 હેઠળ અરજદારો ઓનલાઇન અરજી મોકલી શકે તે માટે રાઇટ ટુ ઇન્ફર્મેશન વેબ પોર્ટલ ઊભું કર્યું છે. વાસ્તવમાં આ મુદ્દે હાઇકોર્ટમાં પીઆઇએલ થઈ હતી, જેમાં કોર્ટે કડક વલણ લઈ સૂચના આપતા, રાજ્ય સરકારને ઓનલાઇન આરટીઆઇ પોર્ટલ ઊભું કરવાની ફરજ પડી છે.

જોકે હજી જિલ્લા-તાલુકાની સરકારી કચેરીઓની માહિતી માટે ઓનલાઇન વ્યવસ્થા ઊભી થઈ નથી, સરકારે આ અંગે ખાતરી આપી છે, એટલે આખા રાજ્યમાં ઓનલાઇન આરટીઆઇ સિસ્ટમ માટે અરજદારોએ રાહ જોવી પડશે. અત્યાર સુધી દેશના 7 રાજ્યોમાં ઓનલાઇન સિસ્ટમ ઊભી થયેલી છે.

અગાઉ રાજ્ય સરકાર માહિતી અધિકાર ધારાની જોગવાઈમાં નિયમ થયા મુજબ સરકારની તમામ માહિતી અંગે વેબસાઈટ બનાવવી અને તે માહિતી મેળવવા માટેની અરજીઓ વેબસાઈટ પરથી થઈ શકે તેવી વ્યવસ્થા કરવી ફરજિયાત હતી. છતાં સરકારે તે કર્યું ન હોવાથી અરજીના પગલે હુકમ થયો હતો.

આ સમાચારને શેર કરો