બગીચાની કમ્પાઉન્ડ વોલના ચણતર દરમિયાન અચાનક દીવાલ ધરાસ્ય થતા 1મહિલાનું મોત,1ગંભીર અને 4ઇજાગ્રસ્ત

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના માખવડ ગામે દીવાલ ધરાશાયી થતા શ્રમિક મહિલા ગંગીબેન પંકજભાઈ ભુરીયા (ઉં.વ.25)નું મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એક શ્રમિક મહિલા હજુ પણ આઇસીયુમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

ગણેશ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક કારખાનામાં બગીચાની ફરતે કમ્પાઉન્ડ વોલનું ચણતર કામ ચાલુ હતું ત્યારે જ આ ઘટના બની હતી. મૃતકના પતિની ફરિયાદ પરથી લોધિકાના સાંગણવાના કોન્ટ્રાક્ટર અશોક રાખૈયા સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

સારવારમાં ગંગીબેને દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. હાલ લોધિકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બનાવ અંગે પોલીસે હાલ ગુનો દાખલ કરી આરોપી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો