ફુટવેર પર GSTના વધારાનો વાંકાનેર ફુટવેર એસોશીએશન દ્વારા વિરોધ

વાંકાનેર : ફુટવેરમાં જી.એસ.ટી દરમાં વધારો થતા વાંકાનેર ફુટવેર એસોશીયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 12 ટકા જી.એસ.ટી. થતા ખેડુત વર્ગ અને મજુર માણસોને મોંઘવારીનો માર પડશે. તેથી જૂનો જી.એસ.ટી.નો દર 5 ટકા હતો, તે યથાવત રાખવા વાંકાનેર ફુટવેર એસોશીયેશન દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અને નાયબ કલેક્ટરને સંબોધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

વાંકાનેર ફુટવેર એસોશીયેશન દ્વારા ફુટવેર પર લગાવેલ જી.એસ.ટી.વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે ફુટવેરમાં જી.એસ.ટી.5 ટકા માંથી 12 ટકા થવાથી નાના,મધ્યમ ખેડુત વર્ગ અને મજુર માણસોને મોંઘવારીનો માર ઘણો જ વધારે સહન કરવો પડશે.85 ટકા વર્ગ મજુર માણસ,ખેડુત વર્ગ,મધ્યમવર્ગ,એક હજાર રૂપિયાની કિંમતથી નીચેના પગરખા પહેરે છે. જેમાં જી.એસ.ટી દર વધતા પગરખા ઘણા મોંઘા થઈ જશે.જેનાથી ખેડુત વર્ગ અને મજુર માણસોને જીવન જરૂરી ચીજ-વસ્તુ પર કાપ મુકવો પડશે.

હાલ કાચા માલ સામાનમાં પણ 20 થી 25 ટકાનો ભાવ વધારો થઇ ગયો છે અને હવે સરકાર તરફથી ફૂટવેરમાં 5 થી 12 ટકાનો જી.એસ.ટી.વધારો કરવામાં આવેલ છે.આ વધારાથી પગમાં પહેરવાના પગરખા ઘણા જ મોંઘા થઇ જશે તો મધ્યમવર્ગ કે સામાન્ય માણસ આ પગરખા પહેરી તથા લઇ શકશે નહી. તેથી, ફુટવેર વેપારી એસોશીયેશન દ્વારા સરકાર તરફથી જે 12 ટકા જી.એસ.ટી.નો વધારો કરવામાં આવેલ છે તે રદ કરી જૂનો જી.એસ.ટી. દર 5 ટકા યથાવત રાખે તેવી નાયબ કલેક્ટરને અપીલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો