ભાવનગરમાં કોરોનાના એક સાથે પાંચ પોઝીટીવ કેસ: 1નુ મોત 

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે માત્ર ભાવનગરમાં જ એક સાથે પાંચ નવા કેસ નોંધાતા સરકાર ખળભળી ઉઠી છે. પાંચમાંથી એક મહિલાનું મોત નિપજયું છે. અમદાવાદમાં પણ નવો એક કેસ નોંધાયો છે. રાજયમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા 69 થઈ છે.

ભાવનગરમાં પાંચ ઉપરાંત અમદાવાદના એક યુવકનો પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. અમદાવાદમાં કોરોના દર્દીઓનો આંકડો 23નો થયો છે. તેઓએ કહ્યું કે ભાવનગરમાં કોરોના પોઝીટીવના નવા કેસો લોકલ ટ્રાન્સમીશનના છે એટલે સરકાર વધુ સાવધ બની છે. રાત્રે જ કોરોના પોઝીટીવ દર્દીના રહેઠાણ ધરાવતા વિસ્તારોમાં આરોગ્ય, કોર્પોરેશન, કલેકટરની ટીમોને મેદાનમાં ઉતારી દેવામાં આવી હતી અને સર્વે-કવોરન્ટાઈન-દવા છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલસ્ટર ક્નટેઈનમેન્ટથી કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 69 થઈ છે તેમાંથી 32 વિદેશથી આવ્યા હતા જયારે ચાર આંતરરાજય પ્રવાસ ધરાવે છે. બાકીના 33 કેસ લોકલ ટ્રાન્સમીશનના છે. બે દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યનાં કોરોનાના કેસો સતત વદતા રહ્યા હોવાથી સરકાર તથા વિવિધ વિભાગો નવા-નવા આકરા પગલા લેવા માંડી છે. ગઇકાલે પણ રાજ્યમાં ત્રણ નવા પોઝીટીવ કેસ નોંધાયા હતાં.

કોરોના પોઝીટીવથી અત્યાર સુધીમાં બાકાત જિલ્લાઓમાં તેના પગપેસારાથી સરકાર વધુ ચિંતિત બની છે. પોરબંદર જિલ્લામાં ગઇકાલે પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ મહેસાણામાં કેસ થયો હતો. રાજ્યના નવ જિલ્લાઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપટે ચડી ચૂક્યા છે. પોરબંદરમાં 48 વર્ષિય મહિલા દુબઇથી આવી હતી. પ્રથમ ખાનગી તબીબની સારવાર કર્યા બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગુજરાતમાં જે નવ જિલ્લાઓ કોરોનાની ઝપટે ચડ્યા છે તેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, ગીર સોમનાથ, મહેસાણા, પોરબંદર તથા ભાવનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ સમાચારને શેર કરો