skip to content

કોરોનાને ગંભીરતાથી ન લેનારા હજુ ચેતો! ભારતમાં 1152 કેસ

કેન્દ્ર તથા રાજય સરકારોના ભરચકક પ્રયત્નો છતાં ભારતમાં કોરોનાનો ફેલાવો વધતો જ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના વેબસાઈટ મુજબ કોરોના પોઝીટીવનો આંકડો 1152 થઈ ગયો છે તેમાંથી 58 લોકો સાજા થઈ ચૂકયા છે. મહારાષ્ટ્ર તથા કેરળની હાલત ખરાબ છે. આ જ રીતે ગુજરાતમાં પણ નવા કેસો તથા મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 229 લોકો કોરોના પોઝીટીવ છે તેમાંથી સાત લોકોના મોત થઈ ચુકયા છે. મુંબઈ તથા થાણેમાં જ 110 દર્દીઓ છે. આ સિવાય પુનામાં 37, નાગપુરમાં 13, અહેમદનગરમાં 3 દર્દી છે. રાજયના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે સામાજીક સંક્રમણ થતુ હોવાનું હજુ જણાયુ છે. મોટાભાગના વિદેશથી આવેલા અથવા તો તેના સંપર્કમાં આવેલા લોકો છે. હજુ ત્રીજો તબકકો આવવો બાકી છે એટલે લોકોને ઘરમાં રહેવું અનિવાર્ય છે.

આ સિવાય કેરળમાં પણ સંખ્યા વધતી રહી છે અને કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે 16 લોકો સાજા પણ થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળમાં આજે વધુ એક કોરોના દર્દીનું મોત નિપજયું હતું. રાજયમાં કોરોનાનો મૃત્યુઆંક 2 થયો છે. અન્ય રાજયો પર નજર કરવામાં આવે તો કર્ણાટકમાં પણ આંકડો આગળ ધપી રહ્યો છે. ઉતરપ્રદેશમાં 76, તેલંગાણામાં 67, ગુજરાતમાં 68, રાજસ્થાનમાં 60 કેસ છે. તામીલનાડુમાં પણ 50થી વધુ કેસ છે. દિલ્હીમાં 73 દર્દીઓ છે.

આઈએસએમઆરના રિપોર્ટ પ્રમાણે ભારતમાં હજુ કોરોના સંક્રમણનો ત્રીજો તબકકો શરૂ થયો નથી. આ તબકકાને અટકાવવો હોય તો દરેક નાગરિકોએ લોકડાઉનનું અનિવાર્ય પાલન કરવુ પડશે. કેન્દ્ર સરકારે દેશભરમાં કોરોના હોટસ્પોટની ઓળખ મેળવવાનું શરૂ કરી દીધું છે. કોરોનાને ફેલાતો રોકવાનો આ પ્રયાસ છે. ભારતે જે પ્રકારે દેશવ્યાપી લોકડાઉન કર્યો છે તેવા કદમ વિશ્વના અન્ય કોઈ દેશોએ ઉઠાવ્યા નથી. ચીન તથા દક્ષિણ કોરિયા આવા પગલા થકી કોરોનાને ફેલાતો રોકવા માટે ઘણાઅંશે સફળ થયા હતા.

ભારતમાં જો કે, નિષ્ણાંતો એવી લાલબતી ધરી રહ્યા છે કે માત્ર લોકડાઉનથી કાંઈ નહીં વળે. હજુ આગળ કડક કદમ માટે તૈયારી રાખવી પડશે. માત્ર લોકડાઉનથી કોરોના કેસ શૂન્ય નહીં થઈ શકે. કોરોના પોઝીટીવ લોકોના સંપર્કમાં આવતા લોકોની ઓળખ મેળવવા માટે ટેકનોલોજીની મદદ લેવી પડશે.

લોકડાઉન હોવા છતાં તેનો ભંગ કરનારા લોકોને રોકવાનો સૌથી મોટો પડકાર છે. શહેરો-ગામોમાં નિયમ ભંગ ઉપરાંત પરપ્રાંતિય મજુરો-કામદારોની હિજરત સૌથી મોટો ખતરો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો