Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતમાં ભળકો : જાહીરઅબ્બાસે આપ્યુ રાજીનામું

મોરબી જિલ્લામાં ભાજપે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જીત મેળવી હતી પણ હવે આ સંસ્થાઓમાં વિરોધની આગ ભભૂકી રહી હોવાનું સામે આવી રહ્યું છે. મોરબી નગરપાલિકામાં આગ ભભૂકી અને હજુ શાંત નથી થઇ ત્યાં મોરબી જિલ્લા પંચાયતમાં પણ આગના લબકારા દેખાવા લાગ્યા છે.

મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવળી સીટ ઉપરથી ભાજપમાંથી ચૂંટાયેલા જાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપમાંથી ચૂંટાયેલા એકમાત્ર લઘુમતી સભ્ય છે. તેમને મોરબી જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતાનો ‘શોભાના ગાંઠિયા’ જેવો હોદ્દો પણ આપવામાં આવ્યો છે તેમજ અન્ય સમિતિમાં સભ્ય તરીકે પણ લેવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના ભાજપના મોટા નેતાઓ પોતાના રાજકીય ચોકઠાં ગોઠવી રહ્યા છે ત્યારે કેટલાક આગેવાનોમાં તેમનો અસંતોષ દેખાતો હોવા છતાં તેમનળ નજર અંદાજ કરીને પોતાની મનમાની કરી રહયાની ચર્ચાઓ થઈ રહી છે. જેથી તેમના વિરોધનો સુર સામે આવી રહ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતમાં હોદ્દાઓની ફાળવણીમાં મોટા માથાઓ એ પોતાની મનમાની કરવામાં વાંકાનેરને અન્યાય કર્યો છે, તેઓ વાંકાનેરના જિલ્લા પંચાયતના સભ્યોનું કહેવું છે. આ બાબતે ઘણી બધી રાહ જોયા બાદ આખરે જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા પદેથી અને જે સમિતિમાં સભ્ય છે તેમના સભ્ય પદેથી વાંકાનેરના ઝહિરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ પોતાનું રાજીનામું આજે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિનહોરાને વોટ્સ એપ દ્વારા મોકલી આપ્યું છે. જેમની જાણ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈને પણ કરવામાં આવી છે. અમને મળેલી માહિતી મુજબ રાજીનામાની ફિઝિકલ કોપી સોમવારે આપશે.

ભાજપે મોરબી જીલ્લા પંચાયત કબજે કર્યા બાદ હવે આ જિલ્લા પંચાયતમાં વિરોધની આગ સામે આવી છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ આગને મોટા આગેવાનો ઠારી શકે છે કે વધુ ફેલાય છે.જો આ આગ મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો ઠારવામાં નિષ્ફળ રહ્યા તો એમની અસર કદાચ વાંકાનેર તાલુકા પંચાયતમાં પણ પડી શકે છે.

આ સમાચારને શેર કરો