Placeholder canvas

નાનામવા રોડ પર દેવનગરમાં બે જૂથ વચ્ચે બઘડાટી બોલી: ત્રણને ઈજા

રાજકોટ : શહેરના નાનામવા રોડ પર દેવનગરમાં બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી.પાઈપ, કુહાડી, ધોકા સહિતના હથિયારોથી સામસામે મારામારી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકે જુદી-જુદી બે ફરિયાદો નોંધાઈ છે.જેમાં પ્રથમ ફરિયાદમાં મહાવીર જીતેન્દ્ર રાઠોડ (ઉ.વ.20 રહે.દેવનગર શેરી નં.01)એ જણાવ્યું કે, ગત રાતના સવા 12 વાગ્યે હું મારા મિત્ર પ્રવીણ રેવર સાથે કાલાવડ રોડ ખાતે જમવા ગયો હતો. જમીને પ્રવીણને તેના ઘરે જે ભીમનગર સર્કલ જડૂસ હોટલ પાસે મૂકવા ગયેલ હતો.ત્યાં તેનો ભાઈ મુકેશ મકવાણા હાજર હતો તેને પ્રવીણ મારી સાથે રહેતો હોય જે તેને ન ગમતું હોય જેથી મારી બોલાચાલી કરી ઝાપટ મારી હતી. જેથી હું મારા ઘરે આવતો રહ્યો હતો.

રાતના દોઢ વાગ્યે મારા ઘરે આ મુકેશ મકવાણા, રાજ વાઘેલા, રાજ કાપડી, પ્રવીણ રેવર, સૂરજ કટારીયા, સીદ જાદવ, બચ્ચન રાઠોડ તમામ એકટીવા અને બાઈક પર આવ્યા હતા. હું ઘરની બહાર આવતા મુકેશ તથા રાજ અપશબ્દો આપવા લાગ્યા. રાજે પાઈપથી હુમલો કર્યો. મારા માતા મંજુલાબેન(ઉ.વ.42) જોઈ જતા તે દોડીને બહાર આવેલ અને મને બચાવવા જતા તેને પણ આ લોકોએ મોઢાના તથા માથાના ભાગે મારતા માર માર્યો હતો. હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. અમને માતા પુત્રને સિવિલ હોસ્પિટલમાં 108માં મારફત દાખલ કરાયા હતા.

બીજી ફરિયાદમાં કેતન ઉર્ફે બચ્ચન વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.24, રહે.ચામુંડાનગર શેરી નં.02, ખીજડા વાળો રોડ)એ જણાવ્યું કે, ગત રાત્રિના બે વાગ્યાની આસપાસ હું મારું બાઈક લઇને મેઘમાયાનગરમાં મારા કાકાના ઘરે જતો હતો ત્યારે નાનામવા મેઇન રોડ ટીવીએસ શોરૂમની સામે રોડ ઉપર દેવનગરમાં રહેતો મહાવીર ઉર્ફે ભૂરો તથા તેની માતા બંન્ને ઊભેલ હતા અને તેઓ બંનેએ મને રોકાવેલ અને મહાવીરની માતાએ મને એક લાફો મારેલ અને મહાવીર મને જેમ ફાવે તેમ અપશબ્દો આપવા લાગેલ. મહાવીરના હાથમાં એક પાઇપ હતો અને મેં તેને શાંતિથી વાત કરવાનું કહી મેં મારા પેન્ટના ખિસ્સામાં મારો મોબાઈલ કાઢી ફોન કરવાની કોશિશ કરતા આ મહાવીરએ મારા હાથમાંથી મારો મોબાઇલ આચકી નીચે પછાડી તોડી નાખેલ. મહાવીરે તેના હાથમાં રહેલા પાઇપ મને માથાના ભાગે મારેલ જેથી હું ત્યાંથી નાસી ગયેલ અને ઓટોરિક્ષામાં સિવિલ હોસ્પિટલ આવી સારવારમાં દાખલ થયો હતો. પોલીસે બન્ને પક્ષે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો