Placeholder canvas

ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈએ પરીક્ષા

ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

મહામારીના સમયમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો વિચાર આવકારદાયક છે, પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. રિપીટર વિદ્યાર્થીઓ પણ સામાન્ય બાળકો છે, રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવાં કુમળાં છે. કોરોનાને લઈ ઊભી થયેલી શૈક્ષણિક તકલીફોનો ભોગ બન્યાં છે. પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન, પણ બધા જ વિદ્યાર્થીઓએ એને ફેસ કર્યું છે. સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યું છે ત્યારે કહેવું રહ્યું કે જો સરકારે કોરોના ના કારણે પરીક્ષા રદ કરી હોય તો કોરોના પરીક્ષા આપવા જતા રિપીટર વિદ્યાર્થીઓને પણ થઈ શકે છે.

આ સમાચારને શેર કરો