Placeholder canvas

ટંકારાઃ ચૂંટણીની ફરજમાં મૂકાયેલા કર્મચારીઓને અપાઈ બીજા તબક્કાની તાલીમ

300 બુથ પર સાંગોપાંગ ઉતરવાની તંત્રની કવાયત

ટંકારાઃ આગામી તારીખ 1 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી સાંગોપાંગ પાર પાડવા ટંકારા તાલુકા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તંત્ર દિવસ રાત જોયા વગર કામગીરી કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી ફરજમાં મૂકાયેલા સ્ટાફને આજ રોજ ગુરૂવારે બીજા તબક્કાની તાલીમ આપવામાં આવી હતી. હજુ બાકી રહેલા કર્મચારીઓને શુક્રવારે તાલીમ આપી ચૂંટણી ફરજ પર બુથ ઉપર મોકલતા પૂર્વે માહિતગાર કરી સજ્જ કરવામાં આવશે. ત્યારબાદ મતદાનના આગલા દિવસે ક્યાં કર્મચારીને કઈ જગ્યાએ ફરજ પર જવાનું છે તેના ઓર્ડર સાથે બુથ પર રવાના કરવા સુધીની કામગીરી તંત્ર દ્વારા આટોપી લેવાઈ છે.

આગામી વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે હવે માંડ અઠવાડિયાનો સમય છે. ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો મતદાતાઓને રીઝવવા ઉંધા માથે થયા છે. તેવી રીતે તંત્ર માટે પણ ચૂંટણી પૂર્ણ કરવાની અગ્નિ પરીક્ષા છે. તાલુકાનું વહીવટી તંત્ર ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પંચની પ્રક્રિયામાં ઉત્તિર્ણ થવા ચૂંટણી પંચની ગાઈડ લાઈન પ્રમાણે લડવા તૈનાત થઈ મેદાને ઉતરી પડયું છે. ટંકારા બેઠકમાં લગભગ 300 બુથ ઉપર મતદાન થવાનુ હોય તંત્ર દ્વારા ચૂંટણી ફરજ માટે કર્મચારીઓના હુકમ બજાવી પ્રથમ તાલીમ પણ આટોપી લીધા બાદ ચુંટણીમાં તૈનાત કરાયેલા પ્રિસાઈડીંગ અને પોલીંગ સ્ટાફને ગુરૂવારે બીજા તબક્કાની તાલીમ ટંકારા આર્યસમાજ કેમ્પસમા આપવામાં આવી હતી.

હજુ બાકી રહેલા કર્મચારીઓને શુક્રવારે હાઈવે પર આવેલી આર્ય વિધાલય ખાતે તાલીમ આપી બુથ પર જતા પૂર્વે તમામ કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સજ્જ કરવામાં આવશે. તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયે મતદાન મથકે બુથ પર જનારા સહિત ચૂંટણી ફરજ પર નિમાયેલા તમામ કર્મચારીઓ-અધિકારીઓને મતદાન દિવસના આગલા દિવસે તારીખ 30 નવેમ્બરે ડિસ્પેચ કેન્દ્ર પર બોલાવી ચૂંટણી સાહિત્ય સાથે ક્યાં કર્મચારીને ક્યાં મતદાન મથક પર ફરજ બજાવવાની છે તેના હુકમો આપી ઈવીએમ સાથે રવાના કરવા સુધીની તૈયારી તંત્રએ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો