Placeholder canvas

રાજકોટમા ઠંડીથી વૃદ્ધનું મોત: બસ સ્ટોપના બાકડા પરથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી.

ગુજરાતમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. જેના કારણે લોકોના જનજીવન પર અસર પહોંચી છે. હજુ પણ વધુ ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જામનગ રોડ પર બસ સ્ટોપના બાકડા પરથી આજે સવારે એક અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી હતી. આથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં પ્રાથમિક તારણ મુજબ વૃદ્ધનું મોત ઠંડીથી ઠૂંઠવાઇને થયું હોવાનું તારણ બહાર આવ્યું છે. તેમજ મૃતકને ફેફસાની પણ બીમારી હોવાનું જાણવા મળ્યું હતું.

જામનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટર નજીક પેટ્રોલ પંપ સામે સિટી બસ સ્ટોપના બાંકડા પર એક વૃદ્ધ બેભાન પડ્યા હોવાની જાણ થતાં 108ની ટીમ પહોંચી હતી. તપાસમાં આ વૃદ્ધ મૃત જણાતા પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી ASI કનુભાઇ વી. માલવીયા અને રવિભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક વૃદ્ધે માત્ર ત્રણ શર્ટ પહેર્યા હતા પરંતુ પેન્ટ પહેર્યું નહોતું. ભિક્ષુક જેવા દેખાતા આ વૃદ્ધનું ઠંડી લાગી જવાથી અને ફેફસાની બિમારીથી મૃત્યુ થયાનું તારણ નીકળ્યું હતું. મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના ફોન નં. 0281-2444165 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આ સમાચારને શેર કરો