Placeholder canvas

20 ઇ-રિક્ષા બળીને ખાખ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પાર્કિંગમાં રહેલી રિક્ષામાં આગ ફાટી નીકળી…

નર્મદા જિલ્લાના એકતાનાગર કેવડીયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ-કાર અને ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. જ્યાં ત્યાં આવતાં પ્રવાસીઓને પોતાના વાહન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 7 કિલોમીટર દૂર પાર્ક કરીને ત્યાંની લોકલ બસ અથવા ઈ-રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. પિંક ઈ-રિક્ષાઓ એક્ટનગરીમાં 100 જેટલી ફરે છે. ત્યારે ગતરાત્રિના ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે.

બુધવારે રાતે SOU પરિસર બંધ થયા બાદ ચાર્જિગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઇ-રીક્ષા મૂકી હતી. ગુરુવારે મળસ્કે આશરે 3 વાગ્યાના સુમારે એકાએક રીક્ષા સળગવા લાગી હતી અને જોતજોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રીક્ષા સળગી ઉઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મુકેલી રીક્ષા બળીને રાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જીંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગ ફોડીયા તત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.

આ સમાચારને શેર કરો