Placeholder canvas

રાજકોટ : કણકોટમાં ઢોર પકડવાની કામગીરી વચ્ચે બઘડાટી:પોલીસની હાજરીમાં ગાળાગાળી

.

રાજકોટ: મહાનગરમાં છેલ્લા પખવાડીયાથી ફરી સઘન બનાવવામાં આવેલી ઢોર પકકડ કામગીરી વચ્ચે આજે મવડીના કણકોટ રોડ પર રહેણાંક સોસાયટી પાસેના રસ્તેથી રખડતી ગાયો પકડવા મામલે માથાકૂટ થઇ ગઇ હતી. મનપાએ બે ગાયને પકડીને વાહનમાં ચડાવતા પશુ માલિકોએ એકઠા થઇને બઘડાટી બોલાવી હતી અને પોલીસની હાજરીમાં પણ ગાળાગાળી થતા તનાવ ફેલાઇ ગયો હતો. બાદમાં માંડ માંડ પશુ પકડવામાં આવ્યા હતા.

રખડતા ઢોર પકડવાની કામગીરીમાં અવારનવાર છમકલા થતા હોય છે. હવે રાજય સરકાર અને કોર્ટની સૂચનાથી કાયમી ધોરણે પોલીસનું વાન પણ સાથે રહે છે. પરંતુ પોલીસની હાજરીમાં પણ આજે બઘડાટી બોલ્યા બાદ સમાધાનની જેમ મામલો શાંત પાડવો પડયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે મનપા અને પોલીસના સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ ઢોર પકકડ ટીમ આજે રાબેતા મુજબ કણકોટ રોડ પર પહોંચી હતી. અહીં નજીકમાં આવેલી ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં ઢોરનો ત્રાસ હોવાની ફરિયાદ મળતા એએનસીડી વિભાગની ટીમ બંદોબસ્ત સાથે પહોંચી હતી ત્યાં રસ્તા પર બે ગાય નજરે પડતા મજૂરોએ ઢોરને પકડીને ટ્રોલીમાં ચડાવ્યા હતા. આ દરમ્યાન માલધારીઓનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. તેઓએ ગાય પકડવાની કામગીરીનો વિરોધ કર્યો હતો.

પોલીસ વાન, વિજીલન્સ પોલીસનો સ્ટાફ અને એએનસીડી વિભાગના કર્મચારીઓ આ કામગીરી કરતા હતા ત્યારે કેટલાક ઢોરના માલિકોએ વાહનને ઘેરી લીધા હતા. તેઓ પોતાના રહેણાંક પાસે જ ગાય બાંધીને રાખતા હોવાની દલીલ કરીને ઢોર છોડી મૂકવા માંગણી કરી હતી. પરંતુ કર્મચારીઓએ પણ રખડતા પશુ પકડવામાં આવશે તેવું કહેતા ઉગ્ર બોલચાલી વચ્ચે મામલો ગરમ થયો હતો. આ દરમ્યાન ગાળાગાળી થઇ ગયાનું પણ જાણવા મળ્યું હતું.

પશુ માલિકો એવું કહેતા હતા કે આ રોડ પર કોઇ ફરિયાદ ન હોવા છતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. લોકો હેરાન થતા ન હોવા છતાં હેરાનગતિ કરવામાં આવે છે. લગભગ 30 થી 40 લોકોનું ટોળુ આ સમયે એકઠું થઇ ગયું હતું. બાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બે ગાય જપ્ત કરવામાં આવી હતી. જયારે પૂરા રોડ પરથી આજે ડ્રાઇવ દરમ્યાન 20 પશુ પકડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો