વાંકાનેર: સિંધાવદર ગામ પાસે STની ઠોકર લાગતા રાજકોટના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત.

વાંકાનેરના સિધાવદર ગામ પાસે શનિવારે એસટી બસે ટુવ્હીલરને ઠોકર મારતા ચાલક અને રાજકોટના વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઇકાલે મોત નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર એસ.ટી બસના ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જામનગર રોડ પર હુડકોમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રસિકભાઈ છગનભાઈ જેઠવા (ઉ.વ.૬૫) શનિવારે રાજકોટથી જ્યુપીટર ટુવ્હીલર હંકારીને વાંકાનેર ખાતે પૌત્રી જીશાનો જન્મદિવસ ઉજવવા જઇ રહ્યા હતાં. દરમિયાન સિંધાવદર પાસે એસટી બસની હડબેઠ લેતા ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં ગત રાત્રિના દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.મૃત્યુ પામનાર રસિકભાઇ જેઠવા ચાર બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બસનો ચાલક ચાલુ ડ્રાઈવીંગમાં મોબાઇલ ફોનમાં વાત કરી રહ્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો