Placeholder canvas

રાજકોટમાં ક્રિકેટ રમી બહેનના ઘરે જતા ભાઈને હાર્ટએટેક આવ્યો, ઘટનાસ્થળે જ મોત

રમતાં રમતાં યુવાનો ભેટી રહ્યા છે મોતને !!

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં રમતાં રમતાં ત્રણ યુવાન હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા છે. આજે વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. ડીસાથી ભાણેજના લગ્નપ્રસંગમાં બહેનના ઘરે આવેલો ભાઈ ભરત બારૈયા આજે ક્રિકેટ રમી બહેનના ઘરે પરત જતો હતો. ત્યારે બહેનના ઘરે પહોંચે એ પહેલાં જ રસ્તામાં ભરતને હાર્ટએટેક આવી ગયો હતો અને મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

ડીસા રહેતા ભરત બારૈયા (ઉં.વ.40) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

ભરત બારૈયાના ભાણેજનું આજે રિસેપ્શન હતું. પરંતુ મામાની અણધારી વિદાયથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. બનાવની જાણ થતાં જ ભરતની પત્ની, ભરતનાં સાસુ સહિતનાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં. હોસ્પિટલમાં ભરતના મૃતદેહને ગળે વળગાડીને મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું હતું.

આ સમાચારને શેર કરો