Placeholder canvas

રાજકોટ યાર્ડની ચૂંટણી: મતદારયાદી બનાવવા પ્રક્રિયા શરૂ, તા.23 સપ્ટેમ્બરથી ફોર્મ ભરાશે.

રાજકોટ: કોરોનાના બીજા વેવમાં મોકુફ રખાયેલી સહકારી સંસ્થાઓની ચૂંટણીની સિઝન હવે શરૂ કરવામા આવી છે. તા.16મીથી મહતમ છૂટછાટ સરકારે આપી છે. જેના પગલે માર્કેટિંગ યાર્ડ સહિત સહકારી ચૂંટણી તબક્કાવાર યોજાશે. જામકંડોરણા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યા બાદ રાજકોટ યાર્ડની ચૂંટણી જાહેર કરવામા આવી છે. તા.5 ઓક્ટોબરના રોજ મતદાન થશે. આ સાથે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. ઉપલેટા યાર્ડની ચૂંટણી તા.17 સપ્ટેમ્બરના રોજ થશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી થયા બાદ કોરોનાનો જીવલેણ બીજો વેવ ત્રાટક્યો હતો. જેના લીધે સહકારી સંસ્થાઓની ચૂંટણી મોકૂફ રાખવામા આવી હતી. બીજો વેવ હળવો થતા જ રાહતનો શ્વાસ લેવામા આવ્યો છે. કોરોનાનું જોર ઓછુ થતા જ સહકારી સંસ્થાઓની મોકૂફ રહેલી ચૂંટણી તબક્કાવાર રીતે યોજાશે. જેમા રાજકોટ જીલ્લાની વિવિધ 12 જેટલી સહકારી સંસ્થાઓ તેમજ 6 માર્કેટિંગ યાર્ડની ચૂંટણી તબક્કાવાર રીતે શરૂ થવા જઇ રહી છે. સૌ પ્રથમ જામકંડોરણા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર કરવામા આવી હતી. ત્યારબાદ ગઇકાલે મોડી સાંજે રાજકોટ અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.

રાજકોટ યાર્ડની ચૂંટણી માટેનો કાર્યક્રમ

  • તા.23 સપ્ટેમ્બરના રોજ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધીમાં નિયુક્તિ પત્રો ભરવાના રહેશે.
  • તા. 24 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી નિયુક્તિ પત્રો ચકાસણી થશે.
  • તા. 27 સપ્ટેમ્બરના સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાની આખરી મુદત રહેશે.
  • તા.5 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન થશે.
  • તા.6 ઓક્ટોબર સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરાશે.
આ સમાચારને શેર કરો