Placeholder canvas

રાજકોટમાં CID ક્રાઈમનો વધુ એક દરોડો : કોઠારીયા રોડ પરથી ગાંજાની 190 કિલો ગોળીઓ ઝડપી.

રાજકોટમાં સીઆઇડી ક્રાઈમએ વધુ એક દરોડો પાડ્યો છે. કોઠારીયા રોડ પરથી ગાંજાની 190 કિલો ગોળીઓ ઝડપી પાડી છે. આજી ડેમ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. ઉત્તર પ્રદેશથી પીપરમેન્ટ જેવી ગાંજાની ગોળીઓ લાવી તેનું વેચાણ કરતા બિહારી શખ્સ રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાને ઝડપી લઈ આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો છે.

સીઆઇડી ક્રાઈમના પીઆઇ અને ઇન્ચાર્જ ડીવાયએસપી જે.જે.ચૌહાણની ટીમને માદક પદાર્થના કેસમાં વધુ એક સફળતા મળી છે. આ પહેલા ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટમાં સીઆઇડી ક્રાઇમે સાત દિવસમાં બીજી વખત ગાંજાનો જથ્થો પકડી પાડતા સિટી પોલીસ પર શંકાની સોય તકાઇ છે. શહેરના કોઠારિયા રોડ પર તિરુપતિ સોસાયટી-11માં શખ્સ નશીલી ચોકલેટનું વેચાણ કરતો હોવાની સીઆઇડી ક્રાઇમ, રાજકોટને મળેલી માહિતીના આધારે ડીવાય.એસ.પી. આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.જે.ચૌહાણ, મદદનીશ સુભાષભાઇ ડાંગર સહિતના સ્ટાફે ગુરુવારે દરોડો પાડ્યો હતો.

અહીં રહેતા મૂળ બિહારના રાજેન્દ્રપ્રસાદ બિષ્ણુપ્રસાદ ગુપ્તા મળી આવ્યો હતો. તલાશીમાં મકાનમાંથી શંકાસ્પદ જથ્થો મળ્યો હતો. પૂછપરછમાં તે ગાંજા મિશ્રિત ચોકલેટ હોવાની કબૂલાત આપી હતી. જથ્થાનું વજન કરતા 190 કિલો નશાયુક્ત ચોકલેટ હોવાનું જાણવા મળ્યું હતું. તે છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં રહેતો હોવાનું જણાવ્યું છે.

નશાયુક્ત ચોકલેટનો જથ્થો ઉત્તરપ્રદેશથી લઇ આવી છેલ્લા બે વર્ષથી વેચાણ કરે છે. તે પાન-કરિયાણાની દુકાનોમાં વેચતો હતો. નશાયુક્ત ચોકલેટના પેકેટમાં 40 ચોકલેટ આવતી હોવાનું અને તે રાજકોટમાં પાનની તેમજ કરિયાણાની દુકાનવાળાઓને એક પેકેટ રૂ.100માં વેચાણ કરતો હોવાની કબૂલાત આપી છે. સીઆઇડી ક્રાઇમે જરૂરી કાર્યવાહી કરી આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજી ડેમ પીઆઇ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો