Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુરની ભાટિયા સોસાયટીમાં ગંદા પાણીના વિતરણથી રોગચાળાનું જોખમ

ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી અંતે સ્થાનિકોએ ટી.ડી.ઓ.ને રજુઆત કરી

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં આવેલી ભાટિયા સોસાયટીમાં પીવાના પાણી સાથે ગટર જેવું ગંદુ પાણી ભળીને આવતું હોવાથી સ્થાનિકો ઉપર રોગચાળો ફેલાવવાનું જોખમ ઉભું થયું છે. ગંદા પાણી વિતરણ મામલે અનેક રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ આખરે આ ગંદા પાણી મામલે ટી.ડી.ઓ.ને રજુઆત કરી છે અને રોગચાળો ફાટી નીકળે એ પહેલાં આ ગંભીર સમસ્યા હલ કરવાની માંગ ઉઠાવી છે.

ભાટિયા સોસાયટીમાં રહેતા સચિનભાઈ રસિકભાઈ ગોહિલ સહિતના લોકોએ ટી.ડી.ઓ.ને રજુઆત કરી હતી કે, ભાટિયા સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે પણ પીવાના પાણી સાથે ગટર જેવું ગંદું પાણી ભળીને આવતું હોવાથી લોકો આ પાણી પીવામાં તો ઠીક વાપરવાના ઉપયોગમાં પણ લઈ શકતા નથી. પીવાના પાણી સાથે ગંદકી પણ વિતરણ કરવામાં આવતી હોવાથી પાણીજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઇ છે અને લાંબા સમયથી આ ગંદા પાણીના વિતરણથી ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એવી ભીતિ વ્યક્ત કરી હતી.

તેઓએ વધુમાં રજુઆતમાં જણાવ્યું છે કે, આ ગંદા પાણીના વિતરણ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતને વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પણ ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી ન થતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેવા ગંદા પાણી વિતરણનો ગંભીર પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. ખાસ કરીને પીવાના પાણીની લાઈન પાસે ગટરના ગંદા પાણીનો જમાવડો થયો છે. તેથી આવી ગંભીર સમસ્યા ધ્યાને લઇ ગામલોકોને શુદ્ધ પાણી મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચારને શેર કરો