વાંકાનેર: ખેરવાના કોરાના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ
વાંકાનેર : ખેરવા ગામે મામાની તબિયતના ખબર અંતર પૂછવા આવેલા અમદાવાદના યુવાનને અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતા તેને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જમણે જે સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ યુવાનને સાવચેતીના ભાગરૂપે તેને સાત દિવસના હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવશે.
અમદાવાદ રહેતા રવિરાજસિંહ અનિરુદ્ધસિંહ નામનો યુવાન ગત તા.13 ના રોજ વાંકાનેરના ખેરવા ગામે રહેતા તેમના મામાની તબિયતના ખબર અંતર કાઢવા આવ્યા હતા. ત્યારે આ યુવાનની તબિયત લથડતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવાયા બાદ તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્રએ ખેરવા ગામે તકેદારીના પગલાં લીધા હતા અને યુવાનના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લીધા હતા. જોકે આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
દરમિયાન આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા આ કોરોના પોઝિટિવ યુવાનની તબિયત એકદમ સ્વસ્થ બની જતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને યુવાન સાજો થઈને ખેરવા ગામે પરત ફરતા સ્થાનિકોએ રાહત અનુભવી છે. જોકે સાવચેતીના ભાગરૂપે તેને સાત દિવસના હોમ આઇસોલેશન હેઠળ રખાશે.