વાંકાનેરમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ

હાલમાં કોરોનાની કારણે રકારે દરેક વ્યક્તિને પોતાના ચહેરા ઉપર માસ્ક લગાવવા માટેનો આદેશ કર્યો છે તેમ છતાં પણ ઘણા લોકો માસ્ક લગાવતા નથી. ગઇકાલે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસેથી એક રિક્ષા ચાલક પોતાની રીક્ષાની અંદર પેસેંજર ભરીને મોઢા પર માસ્ક લગાવ્યા વગર નીકળ્યો હતો ત્યારે તેની પાસેથી દંડ વસૂલવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા રિક્ષાચાલકે પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરીને તેમની ફરજમાં રૂકાવટ કરી હતી જેમની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવી છે.

શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR મુજબ વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલા જીનપરા જકાતનાકા પાસેથી ગઈકાલે બપોરના સમયે રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૨૪૭નો ચાલક પોતાની રિક્ષામાં ૧૦ જેટલા મુસાફરોને બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે રિક્ષાચાલકના મોઢા ઉપર માસ્ક ન હતુ જેથી ત્યાં પોઇન્ટ પર ફરજ પર રહેલા પોલીસકર્મી રાજેશભાઈ મંગાભાઈ ચાવડા દ્વારા રિક્ષાચાલકને ૨૦૦ રૂપિયાનો દંડ ભરવા માટે થઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્યારે રિક્ષાચાલકે પોલીસ કર્મચારીને દંડ ભરવાની ના પાડીને હતી અને રીક્ષાને પોલીસ સ્ટેશને લઈ જવાનું કહેતાં તેનો પણ ઇનકાર કર્યો હતો અને એકદમ બોલાચાલી કરીને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી ત્યાર બાદ રિક્ષા ચાલક ઘટના સ્થળેથી નાસી જતા હાલમાં પોલીસે રિક્ષા ચાલકની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો