Placeholder canvas

રાજકોટમાં પાંચ લાખની લાંચ લેતાં પકડાયેલા DGFTના અધિકારીનો આપઘાત

રાજકોટમાં ગત બપોરે સીબીઆઈએ દરોડો પાડીને કેન્દ્ર સરકાર આધીન આવતાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના જોઈન્ટ ડિરેક્ટરને રૂા.પાંચ લાખની લાંચ લેતાં રંગે હાથે પકડી લીધા બાદ ડાયરેક્ટરે આજે સવારે ચાલું પૂછપરછ દરમિયાન કચેરીના ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી છે. આખી રાત સુધી પૂછપરછ ચાલ્યા બાદ આજે સવારે બ્રેક દરમિયાન જોઈન્ટ ડિરેક્ટર બિશ્નોઈએ અંતિમ પગલું ભરી લેતાં તંત્રમાં દોડધામ થઈ પડી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ વિદેશ વેપારના જોઈન્ટ ડિરેક્ટર જે.એમ.બિશ્નોઈએ દરિયાકાંઠા વિસ્તારમાં મોટા ગજાના ગણાતાં વેપારી પાસેથી ફૂડ કેનની સમયાંતરે નિકાસ થાય તે માટે અત્યંત જરૂરી ગણાતું એવું સર્ટિફિકેટ ઈશ્યુ કરવાના બદલામાં નવ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ પછી ફરિયાદીએ તે પૈસાની ચૂકવણી કરવા માટેની તૈયારી દર્શાવી હતી અને પ્રથમ હપ્તા પેટે પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે આ અંગે સીબીઆઈને ફરિયાદ કરી હતી

જે પછી સીબીઆઈએ વૉચ ગોઠવી વેપારીએ જેવી પાંચ લાખની રકમ બિશ્નોને સોંપી કે તુરંત જ તેમને રંગે હાથે પકડીને ધરપકડ કરી લેવામાં આવી હતી. બિશ્નોઈની ધરપકડ કરવામાં આવ્યા હતા તેમના ઘર સહિતની તલાશી લેવામાં આવી હતી જ્યાંથી મોટા પાયે રોકડ ઉપરાંત વિદેશી ચલણ અને ઝવેરાત મળી આવ્યા હતા. આ પછી બિશ્નોઈને ફરી ગીરનાર સિનેમા પાસે આવેલી ડીજીએફની ઑફિસ પર લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની આખી રાત પૂછપરછ ચાલી રહી હતી. આ પૂછપરછ સવારે પૂર્ણ થયા બાદ અધિકારીઓએ બ્રેક લીધો હતો.

આ વેળાએ ગાંઠીયા સહિતનો નાસ્તો ચાલી રહ્યો હતો તે વખતે જ અધિકારી બિશ્નોઈએ તમામનું ધ્યાન ચૂકવીને ચોથા માળે આવેલી બારી તરફ દોટ મુકી હતી. આ અંગે કોઈ કશું સમજે તે પહેલાં જ તેમણે કાચ તોડીને છલાંગ લગાવી દેતાં નીચે પટકાયા હતા. આ વેળાએ તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. આ પછી તાત્કાલિક 108 બોલાવીને તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજતાં ખળભળાટ મચી ગયો હતો.

આ સમાચારને શેર કરો