Placeholder canvas

એકતરફી પ્રેમમાં પાગલ માસિયાઈ ભાઈએ બહેનને છરીના 18 ઘા ઝીંક્યા

રાજકોટ : રાજ્યમાં અનેક જગ્યાએ એક તરફી પ્રેમમાં યુવાનો દ્વારા હત્યાના પ્રયાસ અને છેડતીકે ધમકી આપવામાં આવતા અનેક ગુન્હા પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.કેશોદમાં પણ એક એવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કેશોદમાં રહેતી એક યુવતીને સાસણથી તેમના ઘરે રોકાવા આવેલા માસિયાઈ ભાઈએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે તેણીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.જેથી ઉશ્કેરાયેલા માસિયાઈ ભાઈએ યુવતીને છરી વડે શરીર પર આડેધડ 18 જેટલા ઘા ઝીંકી દીધા હતા તેણીને પરિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.આ બનાવ અંગે કેશોદ પોલીસ દ્વારા હુમલાખોર વિરુદ્ધ ગુન્હો નોંધી તેમને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

આ બનાવની વધુ વિગતો મુજબ,કેશોદમાં આવેલા ગાયત્રી મંદિર પાસે રહેતી પૂજા ભરતપુરી ગોસ્વામી નામની 18 વર્ષની યુવતીને ગઈકાલે સાંજના સમયે તેમના માસિયાઈ ભાઈ કિશને છરી વડે હાથે અને પગે આડેધડ અઢાર જેટલા ઘા ઝીંકી દેતા તેણીને લોહી લુહાણ હાલતમાં જુનાગઢ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પૂજા ચાર બેન એક ભાઈમાં ત્રીજા નંબરની છે. તેમના માતા હયાત નથી અને તેમના પિતા ભરતપુરી ગેસ એજન્સીમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

સારવારમાં રહેલી પૂજાએ જણાવ્યું હતું કે,પોતે ત્યાં ઘર નજીક જ હીરા ઘસવાનું કામ કરી પરિવારને મદદ રૂપ થાય છે.તેમના માસી સાસણ રહે છે તેનો પુત્ર કિશન હાલ ઘરે રોકાવા આવ્યો છે.તે અવાર નવાર તેની પજવણી કરે છે.ગઈકાલે પિતા કામે ગયા હતા. પોતે ગઈકાલે મજૂરીકામ કરી ઘરે આવી ત્યારે તેમની નાની બહેન ઘરે હતી અને તેણીને કપડા ધોવાનો સાબુ લેવા બહાર મોકલી હતી. ત્યારે કિશન પણ ઘરે હોય કિશને પૂજાની પજવણી શરૂ કરી હતી જે પૂજાને ન ગમતું હોય જેથી તેણીએ પજવણી કરવાની ના પાડી દીધી હતી.

અને કિશને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો જેથીએ લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી.ત્યારબાદ કિશન ઉશ્કેરાયો હતો અને રસોડામાં રહેલી છરી વડે ખૂની હુમલો કરી 18 જેટલા ઘા ઝીંકી દીધા હતા. થોડીવાર બાદ તેમની નાની બહેન આવી ત્યારે તેણીએ પૂજાને લોહી લુહાણ હાલતમાં જોતા જ બુમાબુમ શરૂ કરી હતી અને કિશન ભાગી ગયો હતો બાદમાં આજુ બાજુમાંથી લોકો એકઠા થઇ જતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.આ અંગે હાલ કેશોદ પોલીસે કિશનને પકડી લેવા તજવીજ આદરી છે.

આ સમાચારને શેર કરો