skip to content

લગ્ન પ્રસંગ અને શિવરાત્રીમાં ડાયરાના આયોજનો બુક હોય દેવાયત ખવડે વચગાળાના જામીન માંગ્યા !!!

રાજકોટ: લગ્ન પ્રસંગ અને શિવરાત્રીમાં ડાયરાના આયોજનો અગાઉથી બુકીંગ થયેલા હોય જેલમાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડે 25 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી રાજકોટની સેશન્સ કોર્ટમાં કરી છે. જેના પર કોર્ટે પોલીસનો અભિપ્રાય માંગ્યો છે.

આ ચકચારી કેસની વિસ્તૃત વિગત મુજબ રાજકોટમાં આવેલા યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં ઓફિસ ધરાવતા મયુરસિંહ રાણા પર જૂની અદાવતનો ખાર રાખી દેવાયત ખવડ અને તેના સાથી આરોપીઓએ હુમલામાં કરતા ઘવાયેલા મયુરસિંહએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કાનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આરોપીઓ ફરાર રહ્યા પછી પોલીસ સમક્ષ રજુ થઈ ગયા હતા. વારાફરતી ત્રણેય આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરી હતી. આ પછી હાઇકોર્ટમાં દેવયાતે જામીન માટે અરજી કરેલી એ પણ વિથડ્રો કરી લેવાઈ હતી. તા.6 ફેબ્રુઆરીએ પોલીસે આ ગુનામાં ચાર્જશીટ ફાઈલ કર્યું છે. ત્યારે હવે દેવાયત ખવડે પોતાના એડવોકેટ સ્તવન મહેતા અને એ.કે. જોશી મારફત 25 દિવસના વચગાળાની જામીન અરજી કરી છે.

દેવાયત ખવડના વકીલોએ કરેલી અરજીમાં રજુઆત કરાઈ છે કે, આરોપી લોકસાહિત્યકાર છે. 19 ડિસેમ્બરથી જેલમાં છે. તેના અનેક કાર્યક્રમો કેન્સલ થયા હોવાથી મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. હવે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગમાં અને શિવરાત્રીના તહેવારમાં પણ લોક ડાયરાના કાર્યક્રમો છે. જેથી વધુ આર્થિક નુકસાન વેઠવું ન પડે તે માટે વચગાળાના જામીન આપવા રજૂઆત કરેલ છે.

આ સાથે ગોંડલમાં નામાંકિત રાજકીય આગેવાનના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેની કાર્ડ-કંકોત્રી પણ રજૂ રખાઈ છે. જે બાદ કોર્ટે હવે આ અંગે પોલીસનો અભિપ્રાય માંગ્યો છે. આ અંગે આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે કોર્ટ પોતાનો નિર્ણય આપી શકે છે.

આ સમાચારને શેર કરો