skip to content

કોવિડ ડેથ સર્ટી. વિના પણ કોરોના મૃતકના કુટુંબને રૂા.50હજારની સહાય મળશે.

આખરે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની યોજના પર મંજુરી આપી.

કોઈ રાજય સહાય ચુકવવા ઈન્કાર કરી શકશે નહી: કોવિડ સમયે ચુકવાયેલી અન્ય સહાય કરતા આ રકમ વધારાની અને અલગ ગણાશે.

કોવિડ પોેઝિટિવ- મૃત્યુમાં સહાયને પાત્ર: કમીટી રચાશે: 30 દિવસમાં સહાય ચુકવાશે: સુપ્રીમનો આદેશ

દેશમાં કોરોનાની બે લહેર દરમ્યાન દિવંગત થયેલા અંદાજે 4.50 લાખ લોકોના પરિવારને રૂા.50000ની સહાયની કેન્દ્રની યોજના સુપ્રીમ કોર્ટે મંજુર રાખી છે અને સૌથી મહત્વનું એ છે કે જેમના મૃત્યુના સર્ટીફીકેટમાં કોવિડ ડેથ નહી લખાયુ હોય અને કોરોનાની સારવાર દરમ્યાન અન્ય કોઈ રોગથી મૃત્યુ થયુ હોય તો પણ આ પ્રકારના મૃત્યુમાં કુટુંબને રૂા.50000ની સહાય મળશે. સર્વોચ્ચ અદાલતે આજે સમગ્ર પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. કોવિડ બાદની સારવારમાં મૃત્યુ પામનાર જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોય અને 30 દિવસમાં તેનું મૃત્યુ થયુ હોય તો તેને આ રકમ મળશે.

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યુ કે રાજય કે કેન્દ્ર દ્વારા કોવિડ સમયે અન્ય જે કોઈ સહાય જાહેર થઈ હશે કે વળતર મેળવાયુ હશે તે તમામ ઉપરાંત રૂા.50000ની સહાય મળશે જેથી કોરોના યોદ્ધાઓને જે કંઈ સહાય મળી છે તે સહાય અલગથી ગણાશે. જેઓ પાસે કોવિડ ડેથનું સર્ટી છે તેના કુટુંબીજન સરકારના નિયત કરેલા ફોર્મ તથા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરે પછી 30 દિવસમાં આ સહાય મળી જશે.

જેમના ડેથ સર્ટીમાં કોવિડ ડેથ લખાયુ નથી તેઓ સરકાર દ્વારા નિયત થયેલી ઓથોરીટી પાસે પોતાના દસ્તાવેજો રજુ કરશે અને જો રીપોર્ટ પોઝીટીવ હોય અને તેનું મૃત્યુ થયુ હોય તે કોવિડ ડેથ ગણીને તેના સર્ટીફીકેટ સુધારીને આ પ્રકારના મૃત્યુમાં કુટુંબીજન રૂા.50000ની સહાયના હકદાર બનશે અને આ માટે જીલ્લા સમીતી નિયમીત રીતે અખબાર સહિતના મીડીયામાં તેની માહિતી આપશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોઈ રાજય આ સહાય આપવાનો ઈન્કાર કરી શકશે નહી અને કોવિડ ડેથ ન લખાયું હોય તેમાં પણ યોગ્ય પ્રક્રિયા બાદ સહાય ચુકવાશે.

કોરોનાના સમયમાં પોઝીટીવ બનનાર અને મૃત્યુ પામનારના કુટુંબીજન આ સહાયના હકકદાર રહેશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ રકમ રાજય સરકાર ડિઝાસ્ટર ફંડમાંથી ચુકવશે અને ભવિષ્યમાં જો કોવિડ મહામારી આવે તો તેમાં મૃત્યુ પામનારના કુટુંબીજનને પણ આ રાહત મળશે.

આ સમાચારને શેર કરો