વાંકાનેરમા વ્યાજખોરોએ 30 લાખના 45 લાખ માંગણી કરીને ગાડી–જમીન પડાવી લીધાની ફરિયાદ…

વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા યુવાને ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી 5 ટકા ઉંચા વ્યાજે લીધેલા રૂપિયા 30 લાખના બદલામાં રૂપિયા 45 લાખ માંગી વાંકાનેર અને અમદાવાદના બે વ્યાજખોરોએ ખેતીની જમીન અને કિયા સેલટોસ ગાડી પડાવી દેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મૂળ મહિકા અને હાલમાં સુરત રહેતા ઇલમુદિન હબીબભાઈ બાદી ઉ.40 નામના યુવાને જાહેર કર્યું હતું કે વર્ષ 2020મા તેને વાંકાનેરના કાદરી બાપુ અને અમદાવાદના પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા પાસેથી 5 ટકા ઉંચા વ્યાજે રૂપિયા 30 લાખ વ્યાજે લઈ પોતાની જમીન ગીરવે આપી હતી અને અત્યાર સુધીમાં રૂપિયા 27 લાખ રકમ ચુકવી આપ્યા હતા.

જો કે બન્ને વ્યાજખોરો દ્વારા મોટી રકમ ચૂકવી આપવા છતાં ઇલમુદિનભાઈના પિતાના નામે મહિકા ગામે આવેલી ખેતીની જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી લઈ કિયા સેલટોસ ગાડી પણ પડાવી લઇ રૂપિયા 45 લાખ આપવા બળજબરીથી દબાણ કરી પ્રહલાદસિંહ નામનો વ્યાજખોર પોતે નિવૃત આર્મીમેન હોવાનું કહી રિવોલ્વરથી ઉડાવી દેવા ધમકી આપતો હોય એ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.

હાલમાં વાંકનેર પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 384, 506(2), 114 તેમજ નાણાં ધીરધારની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો