રાજકોટમાં ‘સુરતવાળી’ થતાં થતાં રહી ગઈ: ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ સળગી: જાનહાની ટળી

રાજકોટ: તાજેતરમાં જ સુરતના હિરાબાગ સર્કલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ રસ્તા ઉપર જ ભડભડ સળગી જતાં તેમાં એક મહિલા મોતને ભેટ્યા હતા તો ચાર જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. હજુ આ ઘટના તાજી જ છે ત્યાં રાજકોટમાં ‘સુરતવાળી’ થતાં થતાં રહી ગઈ છે.

આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલ પાસે ટર્ન લેતી વખતે સિટી બસમાં અચાનક જ આગ ફાટી નીકળતાં પસાર થઈ રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સદ્ભાગ્યે બસમાં બેઠેલા બન્ને મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી દૂર્ઘટના ટળી હતી.

મળેલ માહિતી મુજબ બજરંગવાડી રૂટ પર ચાલતી સિટી બસ આજે સવારે 9:30 વાગ્યા આસપાસ ભક્તિનગર સર્કલ પાસે ટર્ન લેતી વખતે અચાનક સળગવા લાગી હતી. બસમાંથી ધૂમાડા નીકળવા લાગતાં ત્યાંથી પસાર થઈ રહેલા જીતુભાઈ નામના વ્યક્તિએ તુંત ફાયરબ્રિગેડને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવેલા ફાયરબ્રિગેડે 15 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

જાણવા મળ્યા પ્રમાણે આગ લાગી ત્યારે બસમાં બે મુસાફરો અંદર બેઠા હતા પરંતુ જેવી આગ લાગી કે ડ્રાયવર અને કંડક્ટરે બ્રેક મારી દેતાં ચારેય હેમખેમ નીચે ઉતરી જવા પામ્યા હતા. આગને કારણે ભક્તિનગર સર્કલ પાસે પડેલા બે સ્કૂટરને નુકસાન થયેલ છે.

આ સમાચારને શેર કરો